Friday, January 6, 2012

"............"

પળ પળ છળના હિસાબ સચવાતા નથી હવે,
તેથી વખતને અધુરે જ પુરો થવા કહુ છું,

કરી હ્રદયને વળી પાછુ સળવળતું,
હું આંખોને ઘાઢ નિંદરમાં પોઢવા કહું છું,

અંદર વસે છે જે એક ખાલીપો,
એને બસ અમર થવા કહું છું,

શાબ્દિક શણગાર પણ ભપકા લાગે છે હવે,
મન અને કાગળને એટલે જ કોરા રહેવા કહુ છું.

Sunday, June 13, 2010

પરિણામ

ચોરસના ખૂણા કોઈ ભૂંસી જાય ભલે,
અનંત વર્તુળો મારી આસ-પાસ છે,

કોઈ અધંકાર વળગી તો જુવે મને,
મારી જાત એક બળતું ફાનસ છે,

છું હું તો સાગરની મઝધાર,
મને કિનારાની ક્યાં આશ છે,

ભૂલ કરું છું એ પણ મનગમતી,
કેમકે જાણુ છું પરિણામ ખાસ છે.

Thursday, June 3, 2010

આમજ થાય છે...

માણસથી પણ વફાદાર હોય છે માણસની યાદો..,
પત્ર,પીંછુ,ગુલાબ અને રૂમાલ..
માણસ ગયા પછી પણ કેવા સચવાય છે..,

કહેવાય છે કે સમય પસાર થઈ ગયો..,
ના કોઇ આહટ,ના પગરવ અને ના કોઇ પદચિન્હ..
પણ સમય ગયા પછીએ સબંધ કેવા ઘસાય છે..,

આ બધું જાણે મને જ આવું લાગે છે..,
નવું,નવાઈનું અને વિચિત્ર..
કે પછી રોજ બધે આમજ થાય છે..?

Monday, May 3, 2010

મળી છે...

સાચી જ છે આપણી મહોબ્બત,
જો એને કેવી કળા મળી છે,
મળવાનાં કરીયે વિચાર,
એમાં જ મળવાની મજા મળી છે,

મળ્યા વગર જ વિતાવાની છે જિદંગી,
જાણે કે એવી સજા મળી છે,
શરીર રહે છે આટલે દૂર,
પણ રૂહને તો જાણે મળવાની રજા મળી છે.

પિરામીડ

ભણ્યાં હતાં ને સ્કુલમાં,
ઈજીપ્તનાં પિરામીડોમાં શબ સચવાયેલા છે,
કપડામાં લપેટીને,
ઔષધીઓ ભરીને,
મનાય છે એક વાર જીવ એ શબમાં જરૂર પાછો આવે છે,

મેં પણ ઘણુ સાચવીને રાખ્યુ છે,
તારા પેલા સફેદ રૂમાલમાં,
લપેટીને,
યાદોની ઔષધીઓ ભરીને,
કદાચ તુ પણ ક્યારેક પાછો ફરે તો...?

Friday, October 24, 2008

"અનોખું બંધન"

મારી આ રચના પ્રિય મિત્ર ચેતનાબેન ધ્વારા એમના બ્લોગ "અનોખું બંધન" પર મુકવામાં આવેલ છે અને આજે એને હું ફરી અંહી આવરું છું.


અનોખું બંધન જામ્યું 'કેમ છો?' કહીને,
પછીથી પાંગર્યુ હળી મળી ને,
અટક્યું એક વાર 'પછી મળશું' કહીને,
અનોખું બંધન જામ્યું 'કેમ છો?' કહી ને...

આંખોમાં રહ્યું એ 'પ્રતિક્ષા' બનીને,
દ્રષ્ટીમાં વસ્યું એ 'હરખ' કરીને,
પછી ધીમેથી ટપક્યું એ 'વિરહ' બનીને,
અનોખું બંધન જામ્યું 'કેમ છો?' કહીને..

શ્વસનમાં મહેક્યું એ 'સુવાસ' બનીને,
યાદોમાં આવ્યું ક્યારેક 'હાંફ' ચઢીને,
પછી ધીમેથી છટક્યું એ 'નિશ્વાસ' બનીને,
અનોખું બંધન જામ્યું 'કેમ છો?' કહીને..

કાગળ પર લખાયું એ 'પ્રેમ-પત્ર' બનીને,
રાહમાં જોવાયું 'પ્રત્યુત્તર' બનીને,
પછી ધીમેથી રચાયું કોઇ 'કવીતા' બનીને.
અનોખું બંધન જામ્યું 'કેમ છો?' કહીને..

"માં,હવે શું તને એકલું લાગે છે?"

માં,હવે શું તને એકલું લાગે છે?
માં,હવે તને મારા વગર સુનું લાગે છે?

વર્ષો સુધી ટીપે-ટીપે લાગણીઓ તું મને પિવડાવતી,
રોજ સવારે જોઈ મને તું ચહેરો કેવો મલકાવતી,

સ્કુલે જતા વહાલ ભરેલી ચુમ્મિઓ મને આપતી,
ઘરે પાછો ના આવું ત્યાં સુધી ઝાંપે પહેરો રાખતી,

ગુલાબજાબુંની ચાસણી જેવી મમતા તું વરસાવતી,
દોડા-દોડી કરાવું તો ગુસ્સાથી આંખો કેવી તું કાઢતી,

રોજ જ મારું મનગમતું ને ભાવતું ભોજન બનાવતી,
રોટલી ઉપર ઘી રેડી રેડી ને બહું તું મને ખવડાવતી,

ઉડવાનું તું બળ આપતી ને ઉડતા પણ શીખવાડતી,
ઢળી ગયેલા સૂરજ પછીની પરોઢ બનવા જણાવતી,

આજે...જ્યારે હું ઉડી ગયો છું,
પરોઢ બનવા નીકળી ગયો છું,

ત્યારે...માં,શું તને એકલું લાગે છે?
માં,હવે તને મારા વગર સુનું લાગે છે?

Saturday, May 3, 2008

"સાહજીક પ્રેમ"

મિત્રો, પ્રિય ચેતનાબેને એમના બ્લૉગ "અનોખુ બંધન" પર પ્રેમ માટેના આપણા મંતવ્ય રજૂ કરવા મોકો આપ્યો અને એમાં સહુંનાં મંતવ્ય અને વિચારો વાંચી મને થોડી પંક્તિ લખવા મન થયું,આશા છે આ જે સાહજીક ભાવના અને સમભાવ માંથી ઉદભવતી આ લાગણી ને હું અંહી ઢળીશ એ તમને ગમશે.

તુ જ મારા હ્રદયનો ધબકાર છે એવું તો નથી,
પણ છતા તારૂ હ્રદયમાં સ્થાનક તો છે જ,

તું હમેંશા મારા સ્મરણમાં હોય એવું તો નથી,
પણ છતા મારી મધુર યાદોમાં સામેલ તો છે જ,

તું એક જ મારા આનંદનુ કારણ છે એવું તો નથી,
પણ છતા મારા હરેક હાસ્યમાં ભળેલ તો છે જ,

તું મારા જીવન ની રાહ છે એવું તો નથી,
પણ છતા લેવો ગમે મને એવો વળાંક તો છે જ,

તું જ મારો પ્રેમ છે એવું તો નથી,
પણ છતા હ્રદય પૂર્વકની એક ચાહ તો છે જ.






"કહ્યા વગર કે પ્રેમ છે એવી ચાહતમાં શું વેઠ છે?
મઢું નહી શબ્દમાં તો એ બંધન શું ઢેખ છે?"

Wednesday, April 23, 2008

જરુરી નથી

જરુરી નથી કે આંસુ બધા વહેલા જ હોય,
એમની જેમ ક્યાંક હ્રદયમાં વસેલા પણ હોય,

એક ખૂણે હૃદયનાં તાપમાન હોય છે એટલું નીચું,
ત્યાં ગયા હોય તો બરફની જેમ થિજેલા પણ હોય,

ને બિજે ખૂણે હૃદયનાં તાપમાન હોય છે એટલું ઊચું,
જો ત્યાં ગયા હોય તો લાવાની જેમ ઉકળેલા પણ હોય,

પણ હૃદય આપ્યું જ છે ક્યાં બહારની બાજુ,
કે એમણે આવા કોઈ હાલ જોયેલા પણ હોય.

Wednesday, April 16, 2008

કોઈ મારા માંથી જાણે...

કોઈ મારા માંથી જાણે અશ્કની જેમ વહી ગયું,
એમનું તો કંઈ નહીં પણ સ્વપ્ન મારું રુંધઈ ગયું,

શ્વાસની સરગમ પર જાણે પાંજરું બંધાઈ ગયું,
રક્ત પણ વહેવું મૂકી ને કાળજે ગંઠઈ ગયું,

સમયના સળિયાની પાછળ જીવન એવું પૂરાઈ ગયું,
કોઈ બન્યું હતું ક્યારેક અશ્ક એ યાદ પણ ના રહ્યું,

હોય છે સંજોગનો ખેલ આખરે સમજાઈ ગયું,
કોઈ મારા માંથી જાણે અશ્કની જેમ વહી ગયું.