Friday, June 15, 2012

હવે..


ઘરની બહાર કોંક્રિટથી બનેલા રોડ પર..અમે કુંડાળા બનાવતા,
સ્કૂલમાંથી લઈ આવેલા નાના ચૉકના ટુકડા માંથી,
ને પછી કાંકોટી બનાવતા,
વિણી લાવેલા તૂટેલા માટલા ને રકાબીઓ માંથી,
કાંકોટી ફેંકીને દાવ લેવા જતા..પડતા આખડતા..
ઘુંટણ કેવા છોલાઈ જતા,
માટી વાળા હાથ પગ ને મેલાઘેલા કપડા વાળા..
મમ્મી પાસે દોડી જતા,
બે-ચાર ઠપકા આપતી આપતી મમ્મી..
તરત ડૅટોલ અને સૉફ્રામાઈસીન લગાવી આપતી,
શાંત થઈ જા હવે...બહાર ના જતી રમવા..
કહી ને ચૂપ કરાવતી..
હવે....
જીવનમાં અનેક કુંડાળા દોરાઈ ગયા છે,
ઘુંટણ શિવાય હવે અંદર ઘણૂ છોલાય છે,રોજ...
ડૅટોલ અને સૉફ્રામાઈસીનથી ફરક પડશે મમ્મી...?
કે રમવા ના જઉ તો ચાલશે મમ્મી...?

0 comments: