Friday, October 26, 2007

પ્રેમ ક્યારેક એવો નીકળે

પ્રેમ ક્યારેક એવો નીકળે,

ચાલો તમે હાથમાં દિવા લઈને,
એ ફુંકવા પવન સુસવાટાભેર નીકળે,

પ્રેમ ક્યારેક એવો નીકળે,

આપો તમે મિલનનાં સરનામાં ને,
એ શોધવા ઓળખાણનાં ઘર નીકળે,

પ્રેમ ક્યારેક એવો નીકળે,

કરો તમે એનો ઇન્તઝાર કૈંક નીરાંતથી ને,
એ આપવા તમને લાપરવાનાં બિરુદ નીકળે,

પ્રેમ ક્યારેક એવો નીકળે,

ગોઠવાવ તમે જઈને જો ક્યારેક કબરમાં,
એ મૂકવા રોજ ઉપર ગુલાબ નીકળે.

Wednesday, October 24, 2007

જોઈ લઉં...

આવી શકે જો રણ વચ્ચે..
હું વહેતી નદી જોઈ લઉં.

કાળા આકાશમાં ઉગે જો સૂરજ..
હું ઈશ્વર જેવું તો જોઈ લઉં.

પવનની લહેર ના સહી..
હું ઉડતી ડમરી જોઈ લઉં.

છે તું કલ્પનાઓથી પર મગર..
હું એ રીતે તો તને જોઈ લઉં.

પાડોશમાં આવીને બેઠી છે મોત..
હું દૂરથી જ જિંદગાની જોઈ લઉં.

Saturday, October 20, 2007

પ્રેમ-બનાવ.

શરૂથી જ બંધાયેલી છું અહીં તળાવની જેમ,
ને એમાં તને લઇને ફરું છું એક નાવની જેમ,

કેવા પણ વહેણ કેમ ના બદલાય,
વહ્યાં કરું છું મહીં એક તણાવની જેમ,

લાગે છે જ્યારે સ્વયંથી પણ ભય મને,
ત્યારે ખુદને વળગાડુ છું તને લગાવની જેમ,

પ્રેમ તારા ભાગનો રાખ્યો છે મેં હજી અકબંધ,
રોજ યાદ કરી જાઉ છું એને એક બનાવ ની જેમ.

Thursday, October 18, 2007

મુક્તક (ભાગ-૧)

**થડ રહ્યું છે હજીયે લીલું ભલે ડાળા એમાં ફુટ્યા નહિ,
હાથ ત્યારે જ છુટી ગયા’તા ભલે સાથ એમ છુટ્યા નહિ,
રહેવાશ તો હજી છે જ તારો ભલે હોય સ્વપ્ન સ્મરણ માં,
દૂર ના નિભાવીશ સગપણ ભલે સબંધના નામ તે ઘુંટ્યા નહિ.


**તારી યાદ સાથે મારા આંસુઓ ને એવી તો ઓળખાણ છે,
બન્નેવ પડશે એક-મેક ના પ્રેમમાં મને તો એવા એધાણ છે,
યાદ પૂછે છે આંસુ ને "મારા આવા પર તું શાને સરી પડે?"
આંસુ કે છે "રાહ કેટલી જોવાય છે તારી" એનું આ પ્રમાણ છે.


**ના જરાય કોરી ના લાગી મને તો વસંત,
ફુલડા ખીલ્યા ને ભંવરા ગુંજાવી ગઈ વસંત,
પાથરેલી તારી પાનખર મહેકાવી ગઈ વસંત,
ડાળીઓની સાથે પંક્તિઓ પણ સજાવી ગઈ વસંત.