Thursday, November 22, 2007

જિંદગીની રીત

ફાવી જેવી રીત એ રીતથી જિંદગી અમે મહેકાવી છે,
તમે છાંટી ને ફરો અત્તર અમે તો ધૂપસળી સળગાવી છે.

મનમાં ભલે હોળી પ્રગટે ચહેરે દિવાળી બતાવી છે,
તમે પ્રગટાવો દીવા અમે જાત અમારી બાળી છે.

ચોમાસે તમે છત્રી પલાળી જાતને ભીનાશથી બચાવી છે,
લો અમે તો ભર બપોરે પોતાને પરસેવામાં પલાળી છે.

કેમ હવે આ રહી રહીને કતાર ફૂલછાબની તમે લગાવી છે,
ચૂંટી લીધું હવે અમે ફૂલ ત્યાંથી જે સૌથી ઊંચી ડાળી છે.

Friday, November 16, 2007

મુક્તક (ભાગ-૨)

હવે એટલો તો હું શુ વિચાર કરું,
હાર્યા નો કેમ ના સ્વીકાર કરું,
ભોંકાય છે હર પગલે કંટક જ્યાં,
એ ઉપવન માં કેમ હું વિહાર કરું.

આવડત કેટલીયે ભેળવું તોય ગઝલ બનતી નથી,
શબ્દો ને કેટલાયે રમાડું તોય ગઝલ બનતી નથી,
સૂરા કેટલીયે ઉતારું ઉરમાં તોય ગઝલ બનતી નથી,
ના હોય જો તારો અણસાર એમાં તો ગઝલ બનતી નથી.

બીજુ કંઇ નથી તો આજે હથેળી ધરું,
હોય ભલે કાણી ગુલાબી કરીને ધરું,
મહેંદી ચિતરી દે એ આશથી ધરું,
રેખામાં વંચાય તારું નામ એમ ધરું.

Saturday, November 10, 2007

હોય નજીક ને છતાં સહુ દૂર લાગે,
અહીં દુનિયા આખી મજબૂર લાગે.

કોને કહેવા જાઉં મનની વાત,
અહીં હરેક જણ મગરૂર લાગે.

બનીને ફરે ઘણા ફકીર ને સાધુ,
અહીં સંસાર એમનામાં જ ભરપૂર લાગે.

રામાયણ રચાય જુઓ હરેક ગલીમાં,
અહીં રોજ-રોજ નો એ દસ્તૂર લાગે.

પડછાયામાં માણીએ છાયા આજીવન,
જો ના મળે કશુંક તો એ ખાટા અંગુર લાગે.

Monday, November 5, 2007

હું અને મારું ઘર

આજે હું અને મારું ઘર એકલા હતાં,
મારાં નયનો ધ્યાનથી બધું નિરખતા હતાં,
દિવાલ અને ખૂણા હાસ્ય વેરતા હતાં,
સોફા અને ટી.વી. સામ-સામે તાકતા હતાં,
છત પરથી પંખાભાઈ ઊંધા લટકતા હતાં,
કિચુડ-કિચુડ હિંચકાભાઈ ગીત વગાડતા હતાં,
ઘડિયાળમાં કાંટા ટક-ટક કરતા હતાં,
કૂંજામાં ફૂલ-પાન ધક્કા-મુક્કી કરતા હતાં,
ટેબલ-ખુરશી આમતેમ અથડાતા હતાં,
શૉ-કેસમાંથી ઢિંગલા જાણે ડોકાતા હતાં,
ઝુમ્મર સાહેબ જગારા મારતા હતાં,
એ.સી.બેન એમની ઠંડક પાથરતા હતાં,
લાગતું હતું સહુ મને કંઈક કંઈક પુછતા હતાં,
કે શું તારાં પણ કંઈક અલગ સપના હતાં?
તારાં પણ કંઈક અલગ સપના હતાં?
આજે હું અને મારું ઘર એકલા હતાં.....

Friday, November 2, 2007

આખરે મળ્યાં એ જ રીતે..

આખરે મળ્યાં એ જ રીતે..
વિચાર ઘણીવાર જે રીતે મળવાનાં કર્યાં,

નિ:સ્વાર્થે એક-મેકને હવાલે થઈ..
કૈંક અધુરા રહેલા સપનાં અમે સાકાર કર્યાં,

ગયા બસ એકવાર બંધનોથી પર..
ને મનનાં ભાવને નવેસરથી આકાર કર્યાં,

વળગાળી એક-મેકને ગળે..
અમે આપ-લે શ્વસનનાં ભરપૂર કર્યાં,

હવાનાં સ્પર્શને ભૂલી જઈને..
ખુદને તરબોળ પ્રેમ-પ્રસ્વેદમાં વારં-વાર કર્યાં,

બહુ જાજો સમય મેળવ્યો હતો...
પણ એમાં જીવન અમે ઘણાં પસાર કર્યાં,

હજી છીએ એમ જ એક-મેકનાં..
એ વાક્યો વગર બોલે અમે પુરવાર કર્યાં,

આખરે મળ્યાં એ જ રીતે..
વિચાર ઘણીવાર જે રીતે મળવાનાં કર્યાં.