Monday, December 24, 2007

લગ્નનાં બે-ચાર વર્ષ પછી...

લગ્નનાં બે-ચાર વર્ષ પછી મળી ગયા એમજ સહજ,
મુલાકાત પછી ફરી મુલાકાત થઈ અને,
ફરી સબંધ થયા નીકટ,
તે કહ્યું "આવ ને ઘરે બધા ને મળાય"
તારા કહે..વર્ષો,બહું વર્ષો પછી હું
આવી તારા ઘરે,
મોટું ને કંઈક આલીશાન બનાવેલું તે ઘર,
પણ મારી નજર શોધી રહી'તી પેલું જુનું ઘર,
જયાં છુપ્પીથી મળી મળી ને કર્યો હતો આપણે પ્રેમ,
ક્યાંય તુ વિસરી ગયો એ આપણો પ્રેમ...
"તમે તો લગ્નમાં આવ્યાં જ નહોતા"
કહીને પત્નીએ તારી બતાવ્યો આલ્બમ,
ખુલ્લી આંખે પણ બંધ નજરે હું..
જોઈ ગઈ તારા લગ્નનો આલ્બમ,
"આવ તને ચલ ઘર બતાવું"
કહીને તું બતાવા લાગ્યો તમારું ઘર,
ટ્રોફીઓની કતાર અને વિ.આઈ.પી સાથેના ફોટા,
હાસ્યથી ભરપૂર ને ખુશખુશાલ તમારા ફોટા,
ઘણી જુની યાદો તારી દિવાલ પર ટિંગાતી હતી,
જેમા મારી હયાતી દૂર દૂર ક્યાંય ન જણાતી હતી,
"આ છે અમારો ડ્રોઈંગરૂમ ને બહાર છે ગાર્ડન"
એવા કઈંક વાક્યો મારા કાને તું નાખતો..
"આ અહીં હિંચકો છે"
અમે બધા અહીં રોજ રાતે બેસીએ છિએ..
"ચાલ ઉપર છે અમારો બેડ રૂમ"
તને હું બતાવું..
વર્ષો પહેલા પણ હું આવી હતી તારા બેડ રૂમમાં..
ચારે બાજું પ્રેમી પંખીડા જેવા પત્નિ સાથે તારા ફોટા,
લગ્નમાં મણેલા ખુશીની પળનાં ફોટા,
બધું જોઈ હું શૂન્ય મનશ્ક બેઠી ડાઈનીંગ ટેબલ પર,
"જમો તો ખરા તમે કંઈજ લેતા નથી"
જમવાના આગ્રહ વચ્ચે લાગણીઓ મારી..
ગળાઈ રહી હતી,
આવજો કરવા આવ્યો તું ને પુછી બેઠો મને..
"કેમ તે કંઈ લિધું નહીં..
કેવું લાગે મારી પત્નિને.."
ભારે હાસ્યથી મેં નજર ચુકાવી પણ..
મનમાં બોલી જવાયું મારે..
"તું તો બધે વહેંચાઈ ગયો છે..
હવે મારે અહીં શું લેવાનું???"

Friday, December 21, 2007

કેટલાક શેર

- આંખો થી આંખો મળી ને બે નજરો વચ્ચે સંસર્ગ થયો,
પછી થયું એવું,આંખોના એક ખુણેથી આંસુનો જનમ થયો.



- શબ્દ જે રાખ્યા હતા સાચવી તારા માટે,
બનીને શાહી એ ઝરે છે હવે કલમ વાટે.



- કંઈ કેટલીયે ઝૂલ્ફ ઉડતી જોઈ લઇએ છે એમતો,
પણ પછી જે પડે છે ગુંચ એ કાંસકાથી ક્યાં નીકળે છે?

પ્રેમ અઘરો લાગે છે હવે...

રોજ આગીયાં જોઈને ધરાતી'તી આંખો,
એ તારલા વિંધવા પહોંચે છે હવે,

દિલમાં સળવળતાં હતાં પ્રણયનાં કિડા,
પરવાના થઈ એ ઊડે છે હવે,

મારાથી રહી શકાતું નથી જાણે મ્યાંનમાં,
ને લાગણીઓ તલવાર બને છે હવે,

પ્યાલામાં લાગી જે શાણી મદિરા,
સમજો,ઉતારી ગળે તો ઘેલી થાય છે હવે,

શરૂમાં લાગ્યો જે સીધો સરળ મને,
નિભાવ્યો પ્રેમ તો અઘરો લાગે છે હવે.

Thursday, December 20, 2007

રંગમંચ

રંગમંચનો પડદો ખૂલે છે,
કલાકારનું આગમન થાય છે,
બરફી-પેંડા જેવા હાવભાવ છે,
ને ઝભલાં ટોપી કેરો પહેરવેશ,
રમકડા સહકલાકાર છે,
ને ઉંવા..ઉંવા..થી શરૂઆત છે,
આગળ પ્રેમથી નિહાળજો,
હજી તાળી પાડવાની વાર છે,
કેમકે,નાટક તો હવે શરૂ થાય છે!
પૃથ્વી કેરા રંગમંચ પર..
નવા કલાકારનું આગમન થાય છે,
રંગમંચનો પડદો ખૂલે છે,
ઉંવા..ઉંવા..થી શરૂઆત છે.

Wednesday, December 19, 2007

માનવી

બધી દિશાઓ ફર્યો તું,
ને ખૂણે-ખૂણે અથડાતો રહ્યો,

શૂન્ય સાથે લાવ્યો તો તું,
ને આગળ એકડા ઘૂંટતો રહ્યો,

માટી માંથી બનેલો તું,
ને કાગળ માટે મથતો રહ્યો,

પોતાનું સમજી ને તું,
કેટલું ભેગું કરતો રહ્યો,

સમય પકડવા ઝઝુમ્યો તું,
ને ઘડિયાળ બની જીવતો રહ્યો,

આખર સુધી માનવી તું,
જીવનનો અનર્થ જ કરતો રહ્યો.

Thursday, December 13, 2007

લઘુ કાવ્ય

નથી સાંભળ્યો કોઈ પંખીનો શોર,
વેરાન વગડે અમો રહેલાં છીએ,

લાગ્યો નથી કદી પાનખરનો ડર,
પર્ણ દ્વારા અમો ત્યજેલા છીએ,

છીએ અમો તો કોઈ રણનાં થોર,
ઝાંઝવા પીને જ ઉછરેલા છીએ.

Tuesday, December 11, 2007

અડી-અડી ને બેસીએ..

ચલ અડી-અડી ને બેસીએ ત્યાં પેલી પાળ ઉપર,
જ્યાં એક નદી વહે છે માત્ર દરિયાની સમજ ઉપર.

ચીતરી તો જોઈએ રેત પર હૈયાની વાતો ને,
કૈંક સપના ગુંથીશું પૂરાં થયાની આશ ઉપર.

છીપ,શંખલા અને કંકરની રમત વચ્ચે,
ભીની હો રેત એમાં તારો હાથ મારા હાથ ઉપર.

ઉડતી કેશુંઓમાં સરકાવશે તું જો આંગળી,
શરમાઈ જ જશે ચહેરો મારો મુસ્કાનની ધાર ઉપર.

ડૂબતાં સૂરજ સામે જોશે લાલી તું મારા ગાલની,
ત્યારે માથું ઢાળીશ હું તારા હૈયાની નરમાંશ ઉપર.

પૂછી બેસું હું મર્મ જો તારા પ્રેમનો,
આપજે એક આલિંગન તું શબ્દોની આડ ઉપર.

ચલ અડી-અડી ને બેસીએ ત્યાં પેલી પાળ ઉપર,
જ્યાં એક નદી વહે છે માત્ર દરિયાની સમજ ઉપર.

Monday, December 10, 2007

વૃધ્ધાલય

બનાવા ચાહી મેં પ્રસ્તાવના એ બોધમાંય રહી નહીં,
મૌન એટલું રહી કે બે-ચાર સંવાદમાંય રહી નહીં.

હતી જુવાનીનું પ્રથમ આકર્ષણ એ,
પછી વિરહમાં નહીં ને યાદોમાંય રહી નહીં.

ચાહ્યું તો હતું કે સથવાર બને એ,
પછી સંગાથમાં નહીં ને ઠોકરમાંય રહી નહીં.

ઉતાવળે એવી ગઈ જરા ખ્યાલમાંય રહી નહીં,
મળી આજે વૃધ્ધાલયમાં તો ઓળખમાંય રહી નહીં.

Saturday, December 8, 2007

બે-ચાર પળ

હવે જિંદગી પર નથી કોઈ વહેમ મને,
ને ખબર નથી મોત પછી શું અંજામ છે..

થોભવા દે થોડું ઈશ્વર આ સમયમાં મને ,
જરાક બે-ચાર પળનું જ મારે કામ છે..

ઘણા જુવે મારી રાહ ને ઘણે લાગાવ છે મને,
આખરમાં કહી દઉં તેમને આ જીવ હવેથી હરામ છે..

પછી લઈ જા ભલે કરી કેદ તું મને ,
એ પછી તો બસ મારે આરામ જ આરામ છે.

Friday, December 7, 2007

ઘડુલો

કેટલો નસીબવંતો છે આ ઘડુલો,
એને સાવ નજીકથી તું જોવા મળે,
એને સ્પર્શ તારી કોમળ હથેળીનો માણવા મળે,

રાખે જ્યારે એને ખભા પર તું,
એને ગુલાબી ગાલ તારા ચુમવા મળે,
એને કાનની બાલીઓ સાથે રમવા મળે,

રાખે જ્યારે એને કમરમાં તું,
એને બાહો માં તારી ઝૂલવા મળે,
એને કોમળ કલાઈ તારી મરોડવા મળે,

ઉછળી ઉછળી ને છલકાતો રહે,
એને લહેરાતી ચુંદડી તારી ભીંજાવા મળે,
એને યૌવનની ભીનાશ તારી જાણવા મળે,

કેટલો નસીબવંતો છે આ ઘડુલો.

Saturday, December 1, 2007

છું હું એક જ..

અનેક સાથે હું રહી લઉં છું,અનેકને હું ચાહી લઉં છું,
છું હું એક જ તોય અનેકને હું સહી લઉં છું,

સૂરજ બની ઊગી લઉં છું,ચાંદની પણ હું અર્પી દઉં છું,
છું હું એક જ તોય ઘણે ઘણે જીવી લઉં છું,

વસંતની જેમ ખિલી લઉં છું,પંખી બની પણ ટહુકી લઉં છું,
છું હું એક જ તોય ચુપ રહી ઘણું સાભળી લઉં છું,

આપવા જતા બધે પૂર્ણતા અધુરો હું જ રહી જઉં છું,
ક્યારેક એવુ પણ બને છે કે અવાક હું રહી જઉં છું,

સૂરજ બની જો ઊગુ તો ઉજાસમાં વહેંચાઇ જઉં છું,
ચાંદની જો અર્પુ તો અંધારે ખેંચાઇ જઉં છું,
પંખી બની જો ટહુકુ તો પાંજરે કોઈનાં પૂરાઇ જઉં છું,

છું હું એક જ તોય અનેકને સહી લઉં છું,
...તોય ઘણે ઘણે જીવી લઉં છું,
...તોય ચુપ રહી ઘણું સાભળી લઉં છું.