Friday, June 15, 2012

હવે..


ઘરની બહાર કોંક્રિટથી બનેલા રોડ પર..અમે કુંડાળા બનાવતા,
સ્કૂલમાંથી લઈ આવેલા નાના ચૉકના ટુકડા માંથી,
ને પછી કાંકોટી બનાવતા,
વિણી લાવેલા તૂટેલા માટલા ને રકાબીઓ માંથી,
કાંકોટી ફેંકીને દાવ લેવા જતા..પડતા આખડતા..
ઘુંટણ કેવા છોલાઈ જતા,
માટી વાળા હાથ પગ ને મેલાઘેલા કપડા વાળા..
મમ્મી પાસે દોડી જતા,
બે-ચાર ઠપકા આપતી આપતી મમ્મી..
તરત ડૅટોલ અને સૉફ્રામાઈસીન લગાવી આપતી,
શાંત થઈ જા હવે...બહાર ના જતી રમવા..
કહી ને ચૂપ કરાવતી..
હવે....
જીવનમાં અનેક કુંડાળા દોરાઈ ગયા છે,
ઘુંટણ શિવાય હવે અંદર ઘણૂ છોલાય છે,રોજ...
ડૅટોલ અને સૉફ્રામાઈસીનથી ફરક પડશે મમ્મી...?
કે રમવા ના જઉ તો ચાલશે મમ્મી...?

Friday, June 1, 2012

~ટ્રેશ(અછાંદસ)



પર્સનલ ઈનબોક્સમાં સાચવી રાખેલ,
તારા એક એક ઈ-મૅલ હું એક પછી એક વાંચતી ગઈ,
જાણે લૅપટૉપની સ્ક્રીનમાં ખુદને કેદ કરતી ગઈ,
"લવ લેટરની જગ્યા એ હતા લવ ઈ-મૅલ"
રોજ સવારે ઑફિસ પહોંચી..
હું પહેલો જ તારો મૅલ વાંચતી,
અને ત્યાર પછી જ મારા દિવસની શરૂઆત થતી,
ને એક આચકાથી હું ખુદને આ બધામાંથી બહાર ખેંચી લાવી..
હવે આ બધુ સાચવી રાખવાનો શું ફાયદો..?
સિલેક્ટ ઑલ કરી પરાણે હુ કર્સર ડિલીટ તરફ લઈ ગઈ,
ને થોડી જ ક્ષણોમાં ઉપર લખાણ આવી ગયું,
યૉર ઑલ કનર્વરસૅજન હેવ બીન મુવ્ડ ટુ ધ ટ્રેશ ,
સબંધ....,જે ક્યારનોય ડિલીટ થઈ ગયો હતો,
એ અંતે આજે ટ્રેશ થઈ ગયો..