Friday, February 21, 2014

વિશ્વ માતૃભાષા દિન

પ્રસુતીની પીડા માથી થોડી જ ક્ષણો પહેલા મુક્ત થયેલી લબ્ધી પરસેવે રેબજેબ આંખો બંધ કરી માથા નીચેના ઓશીકાને જોરથી પકડી રાખી ડૉક્ટર અને નર્સને પ્રસુતી પછીનું કામ પતાવતા અનુભવી રહી છે.
પોતાના શરીરથી બાળક છુટુ પડી આ દુનીયા મા અવતરી ગયું છે બસ એટલો જ એને ખયાલ છે,પોતાને છોકરી જન્મી છે કે છોકરો એવા સવાલ મનમા વર્તાવા શરૂ થાય ત્યાંજ એક હૂફાળો અને વહાલ ભર્યો હાથ એના કપાળ પર મુકાયો.
મો એ તરફ કરી એ આંખો ખોલે છે, સામે મનસુખ હસતા ચહેરે ઉભો છે અને એને પણ હસવા ઈશારો કરે છે.
પોતાની મૂછો આમળતો છાતી ઠોકી એને જણાવા પ્રયાશ કરે છે કે મારા જેવો છોકરાનો જન્મ થયો છે.
પતિ પત્ની હર્ષ ના આંશુ માણી રહ્યા છે..
લબ્ધી એને ઈશારાથી પૂછે છે એનો વાન કોના જેવો છે..?
મનસુખ સુંદર ગોરો..ગોરો તારા જેવો એવો ઈશારો કરે છે..અને આંખો નો રંગ મારા જેવો એવુ વર્ણન કરે છે.લબ્ધી મનસુખનો હાથ પકડી ખૂશી વ્યક્ત કરે છે પણ અચાનક એ મનસુખનો હાથ જોરથી હલાવી પુછવા અને કહેવા પ્રયત્ન કરે છે કે તે જોયુ નહી જાણ્યું નહી બાળક રડે છે કે નહી? ડૉક્ટર ને પૂછ એનો રડવાનો અવાજ આવ્યો...?
મનસુખ તરત જ હાથ છોડાવી પાછો ફરી ડૉક્ટર તરફ જવા જાય છે ત્યાંજ એક નર્સ બાળકને કપડામાં લપેટેલું લઈ આવે છે અને લબ્ધી ને ઈશારો કરે છે કે બાળક રડી રહ્યું છે,તુ જલ્દી થી સ્વસ્થ થઈ જા એને માતાનાં દૂધની જરૂર છે.
મનસુખ એકદમ ઉત્સુક્તાથી નર્સને પુછવા ઈશારા કરે છે કે તમને એનુ રડવાનું સંભડાયું?
ત્યાંજ ડૉક્ટર આવી મનસુખના ખભે હાથ મુકી એને શાંત્વા આપે છે અને ઈશારાથી સમજાવે છે કે તમે બન્ને ચિંતા ના કરશો બાળકની બધી જ ઈંદ્રીયો બરાબર કામ કરે છે.
મનસુખ ખુશીથી જુમી ઊઠે છે અને લબ્ધી પોતાનુ સઘળુ દર્દ ભુલી બાળકને છાતીએ ચાંપે છે.
આ હતી એક મુકબધીર દંપત્તિની માતૃભાષા, ઈશારાથી ભરેલ મૌનની ભાષા.
કોઇ લિપી કોઇ અક્ષર કોઇ વ્યાકરણ વગરની ભાષા..
માત્ર પ્રેમ,લાગણી અને સમજની ભાષા.

વિશ્વ માતૃભાષા દિન ને અર્પણ.