Wednesday, November 20, 2013

એક ઝટકો પ્રેમનો

નિશેષઃતને લાગે છે આપણા વચ્ચે પ્રેમ છે?
Is it love.. હેતવી?
હેતવીઃ યાર..હું તારી સાથે હોવ તો મને ગમે છે,સાથે રહેવું...સાથે ફરવુ ગમે છે.
બધુ તને પૂછી પૂછી ને કરવુ ગમે છે.તારી choiceનું કરવું ગમે છે.
ઘરે જઈને પણ long time chatting કરીએ છે.
નિશેષ(વચ્ચે જ)-તારી પાસે આવવુ ગમે છે..
તારામાં ખોવાઈ જવું ગમે છે..
હેતવી ના વાળ ની લટ સરખી કરતા કરતા..
કેટલી મસ્તી ખોર છે તુ....મારા કેવા પણ joke પર ખિલખિલાટ હસે છે કાયમ.
હેતવીઃનિશેષની આંખો માં જોતા જોતા...
તુ હાથ પકડે તો ગમે છે મને,
તારો touch મને odd નથી લાગતો..
નિશેષઃ યારરર....કંઈ સમજાતું નથી.
હેતવીઃચલ હવે મારો હાથ છોડ..મારા class miss થઈ જસે નવરા..
નિશેષઃ હેતુ.....કંઈ સમજાવને..
હેતવીઃકંઈ સમજાતુ નથી એટલે જ તો,આને પ્રેમ સમજી ને મન માં આવે ત્યારે તને "I LOVE YOU" કહી એક ઝટકો આપી દવ છું પ્રેમનો...
ખિલખિલાટ હસતી હસતી હેતવી નિશેષ ને ગાલ પર ધીરે થી ટપલી મારી class જવા નિકળી જાય છે.

Tuesday, June 4, 2013

શ્યામ ગયા પછી.

યમુના ના શાંત વહેતા પાણી પર ચંદ્ર્ના પડતા પ્રતિબિંબને નિહાળતી રાધા,એના શ્યામની રાહ જોવામાં ડુબેલી છે. એના નયન ચંદ્રના પ્રતિબિંબમાં પણ એના ક્રૃષ્ણનું જ મુખ જોઈ રહ્યા છે.
 રાધાના હ્રદય પર પગરવ થયો..
 શ્યામ આવ્યા, મારા શ્યામ આવ્યા..
 મોરલીના સૂર કાનમાં ગુંજવા લાગ્યા..
 ને રાધા બાવરી બની અવાજની દિશા શોધવા લાગી..
 એના શ્યામને શોધવા લાગી,એના ક્રૃષ્ણને શોધવા ભાગી.
થોડા કદમ ચાલી પછી બેબાકળી બની આમ તેમ ભાગતી રાધા ને થયો પોતાની ઓઢણી ફસાયાનો અહેસાસ.
 એ થોભી ગઈ ને આંખ મિંચીને આશ કરવા લાગી..
 જરૂર મારા શ્યામે જ મને છેડવા છૂપાઈને ઓઢણી પકડી હશે.
પાછળ મિટ માંડી,એક નિશાસો નાખી ઓઢણી છોડાવી રાધા આગળ ભાગે છે.
હજુ આગળ ભાગતી રાધાના મુખ માંથી ચીસ પડાઈ જાય છે.
ને એ ચીસ સાથે જ રાધા જમીન પર બેસી પડે છે.
 પગમાં પેસી ગયેલો શૂળ જોઈ..
 પોતાના શ્યામની યાદમાં વ્યાકુળ થયેલી રાધા આંસુ સારતા બોલે છે..
 શ્યામ...ક્યાં છો તમે..?
નજર સામે એ આખરી મુલાકાત આવે છે.
 "રાધે..ઓ રાધે..ચલ મારી સાથે,
  હું તને લેવા આવ્યો છું,પકડો મારો હાથ આપણે દૂર સુધી જવાનું છે."
રાધાઃ આ શું કહો છો શ્યામ?આ યમુના કિનારો,આપણા મિલનની જગ્યઓ અને આ પ્રેમની નગરી મુકીને ક્યાં જવા કહો છો?
ક્રૃષ્ણઃ રાધે,મારો કાયમી વસવાટ અંહી શક્ય નથી.મારો જન્મ પાપનો નાશ કરવા થયો છે.પાપીઓ ને એમના શ્રાપ માંથી મુક્તિ અપાવવા થયો છે.મારે આગળ જવું પડશે.
હું આ લાગણીઓની માયા જાળમાં બંધાઈ નહી શકું.
રાધાઃ આપણો પ્રેમ માયાજાળ છે?હું બંધન છું?
     હે શ્યામ..હું તો એ કાન્હાને ચાહુ છું જે માખનચોર કહેવાય છે,
     એના પ્રેમમાં બાવરી છું જે હરેક ગોપીના હ્રદયમાં વસે છે છતા ખાલી મને ચાહે છે,
     જે યમુના કિનારે મને ખૂબ રાહ જોવડાવે છ ને પોતાની પ્રેમજાળમાં મને ફાંસે છે,
     જે મોહક નજરોથી જોઈ મને શરમાવે છે,
     જેના મનની હું રાણી છુ ને જે મારે મન બધું જ છે,
     મારા નાથ છે,સર્વસ્વ છે.
ક્રૃષ્ણઃ હા પણ સમય બદલાય છે રાધે,સમય સાથે આગળ ચાલવું પડે છે.
    અને હું તો તને લેવા જ આવ્યો છું.
રાધાઃ ના..શ્યામ ના..
     તમારી આંખોમા હવે મને રાજકુમારનું નૂર દેખાય છે.
     કોઇ દિવ્ય શક્તિની છાંયા દેખાય છે મને.
     હું ગામની ગોવારણ તમારી સાથે ના શોભુ.
ક્રૃષ્ણઃ રાધે..તુ મારી પ્રિત છે,હું મારી પ્રિતને ભુલાવી ને આગળ નથી જવા માંગતો.
રાધાઃ જ્યારે નવું કઈક પ્રાર્ંભ થાય છે ત્યારે જુનુ ઘણું બધું પૂર્ણ થાય છે.
     હું તમારી સ્મૃતિઓને હ્રદયમાં જીવંત રાખી જીવન વિતાવી લઈશ.
બોલતા બોલતા રાધાનાં આંસુ યમુના જળમાં પડે છે.
આંસુ યમુના જળ સાથે વહીને આગળ જતા રહે છે અને
શ્યામ પણ રાધાને આટલું કહી જતા રહે છે.
 "હે રાધે, તે મને કરેલો પ્રેમ જગતમાં હરેક પ્રેમી અને પ્રેમીકા યુગ યુગાતંર સુધી યાદ કરશે. હું ક્યાય પણ રહીશ પણ મારા હ્રદયમાં તારી પ્રિત કાયમ રહેશે.
મારા માનવીય અસ્તિત્વનાં નાશ પછી પણ,મારા નામની પહેલા સદાય તારુ નામ લેવાશે.
અને એ પ્રકારે તારો અને મારો સાથ ક્યારે પણ નહી છૂટે."

 પગમાં ખૂંપેલો શૂળ કાઢતા રાધા બોલી ઉઠી..હરે ક્રૃષ્ણ..
 સાથે ધીમે વાતો વાયરો બોલે છે..રાધે-ક્રૃષ્ણ.
 ખરેલા સૂકા પાનમાં થયો ખળભળાટ ને સંભળાય છે..રાધે-ક્રૃષ્ણ.
 યમુના ના શાંત પ્રવાહ સાથે વહે છે..રાધે-ક્રૃષ્ણ.
 આંબલીયાની ડાળોએ જુલે છે..રાધે-ક્રૃષ્ણ.
 મોર-પપીહા-કોયલનાં ટહૂકે ગૂંજે છે..રાધે-કૃષ્ણ.
 શ્યામ ગયા પછી બધે જ છે..રાધે-ક્રૃષ્ણ.
પણ કોઈ જાણી શકયું,રાધા કેટલું તડપી..શ્યામ ગયા પછી?
કોઇ ને યાદ છે રાધાના હાલ,શ્યામ ગયા પછી?
રાધાને મળ્યુ બસ શ્યામનું નામ,શ્યામ ગયા પછી..
ફરી પણ ક્યાંક જન્મી હશે રાધા,શ્યામ ગયા પછી..
જોવાતી હશે રાહ ક્રૃષ્ણની,શ્યામ ગયા પછી.

Monday, January 14, 2013

પેચ...અને ગાંઠ..


પેચ લાગી ગયા..
થોડી થોડી ઢીલ,
થોડી થોડી ખેંચ,
થોડી સ્થિરતા...ને વચ્ચે વચ્ચે થોડી ગુલાટ,
અમે બેવ ભલે અલગ અલગ ચગીએ છે,
પણ આકાશ તો એક જ છે..
લાગણીઓ ની દોરીથી એકબીજામાં લપેટાઈ રહ્યા છીએ..
પેચ નથી હવે અમરા વચ્ચે,
આ પેચ નથી...
લપેટાઈને,ગુંચવાઈ ને બંધાયેલી ગાંઠ છે.

Friday, June 15, 2012

હવે..


ઘરની બહાર કોંક્રિટથી બનેલા રોડ પર..અમે કુંડાળા બનાવતા,
સ્કૂલમાંથી લઈ આવેલા નાના ચૉકના ટુકડા માંથી,
ને પછી કાંકોટી બનાવતા,
વિણી લાવેલા તૂટેલા માટલા ને રકાબીઓ માંથી,
કાંકોટી ફેંકીને દાવ લેવા જતા..પડતા આખડતા..
ઘુંટણ કેવા છોલાઈ જતા,
માટી વાળા હાથ પગ ને મેલાઘેલા કપડા વાળા..
મમ્મી પાસે દોડી જતા,
બે-ચાર ઠપકા આપતી આપતી મમ્મી..
તરત ડૅટોલ અને સૉફ્રામાઈસીન લગાવી આપતી,
શાંત થઈ જા હવે...બહાર ના જતી રમવા..
કહી ને ચૂપ કરાવતી..
હવે....
જીવનમાં અનેક કુંડાળા દોરાઈ ગયા છે,
ઘુંટણ શિવાય હવે અંદર ઘણૂ છોલાય છે,રોજ...
ડૅટોલ અને સૉફ્રામાઈસીનથી ફરક પડશે મમ્મી...?
કે રમવા ના જઉ તો ચાલશે મમ્મી...?

Friday, June 1, 2012

~ટ્રેશ(અછાંદસ)



પર્સનલ ઈનબોક્સમાં સાચવી રાખેલ,
તારા એક એક ઈ-મૅલ હું એક પછી એક વાંચતી ગઈ,
જાણે લૅપટૉપની સ્ક્રીનમાં ખુદને કેદ કરતી ગઈ,
"લવ લેટરની જગ્યા એ હતા લવ ઈ-મૅલ"
રોજ સવારે ઑફિસ પહોંચી..
હું પહેલો જ તારો મૅલ વાંચતી,
અને ત્યાર પછી જ મારા દિવસની શરૂઆત થતી,
ને એક આચકાથી હું ખુદને આ બધામાંથી બહાર ખેંચી લાવી..
હવે આ બધુ સાચવી રાખવાનો શું ફાયદો..?
સિલેક્ટ ઑલ કરી પરાણે હુ કર્સર ડિલીટ તરફ લઈ ગઈ,
ને થોડી જ ક્ષણોમાં ઉપર લખાણ આવી ગયું,
યૉર ઑલ કનર્વરસૅજન હેવ બીન મુવ્ડ ટુ ધ ટ્રેશ ,
સબંધ....,જે ક્યારનોય ડિલીટ થઈ ગયો હતો,
એ અંતે આજે ટ્રેશ થઈ ગયો..

Tuesday, May 29, 2012

***બેતાળા***



અદંર જે હતુ,એ હોઠો પર ના આવી શક્યું,
ને આપાણા વચ્ચે પડી ગઈ હતી અંટશ,
તને આંખો વાચતા ના આવડ્યું..
તો મેં આંશુઓ માં ભાષાતંર કરી આપ્યું,
પણ તુ એ આંશુઓ ને અંધકારમાં પૂરી જતો રહ્યો હતો,
આજે વર્ષો..ઘણા વર્ષો પછી,
વૃધ્ધાશ્રમમાં મળી ગયા અચાનક આમ સામ-સામે,
તને બેતાળાના ચશ્મામાં જોયા પછી મને થયું,
આને હજી આંખો વાંચતા નહિ આવડ્યું હોય..?

Friday, May 25, 2012

ગહેરાઈ


શરકાવી દૌ પાલવની જેમ,
તોય ટેવ મુજબ પહેરાઈ જાય,

હું રોજ બાદ કરતી જાંઉ,
ને એ બેગણા ઉમેરાઈ જાય,

જઈ બેઠા છે એ કેટલા અંદર,
કે પડછાયામાં પણ દેખાઈ જાય,

ખોદીને જાણે હ્ર્દય માંરૂ માપશે હવે,
કે ક્યાં સુધી એની ગહેરાઈ જાય.

*****


***એક હળવી ફૂંકથી શહેનાઈ ગુંજી ઉઠે છે,
પણ એ હળવાશમાં કેટલી કસક છે..
એ શહેનાઈ જ ઓળખી શકે છે.

***ખળભળ્યા વગર વહેવુ ફાવતુ નથી,
લખું છું એટલે કે ચુપ રહેવું ફાવતુ નથી.

***આ પારકા શહેરમાં ખાલી ગઝલ વાંચે રાખી..
ને એમાજ જીવન પિગાળ્યું,
ખેંચી લાવ્યા સૂરજ ને કલમની અંદર..
ને જતા જતા થોડું અજવાળુ ઊગાડ્યું.

Wednesday, May 2, 2012

મારી જુબાની

 ન દગાખોરી લખવી છે,
 ન લાગણીઓ હણાયેલી લખવી છે,
 પશવારી હોય પ્રેમથી ક્યારેક,
 એવી એક અમર પળ લખવી છે,

 અજવાળી શકાતી હોય જો રાત શબ્દોથી,
 અમાસી રાતે મારે ચંદ્રતા લખવી છે,

 ન કાવ્યમાંની કરામત લખવી છે,
 ન ગઝલની કોઈ બાંધણી લખવી છે,
 સૂરોથી ભરપૂર હોય એવા મૌનની,
 મધુર એક રાગણી લખવી છે,

 મારા પછી પણ લોક વાંચી જાણે,
 બસ એવી મારી જુબાની લખવી છે.

Monday, April 16, 2012

*****

માટીની સુગંધ તો દૂરની વાત,
ફૂલો પણ મળે હવે અત્તર સ્વરુપે છે,

ધગધગી ઉઠ્યો હતો જે લાવાની જેમ,
આજે એ ઠરેલા પથ્થર સ્વરુપે છે,

નથી કહેવાયું મારાથી હજી સુધી શ્રેષ્ઠ,
કેમ કે અંહી બધુંજ અક્ષર સ્વરુપે છે,

સ્વર્ગ અને નરકની માન્યતા છે એટલી,
... કે દિવ્યતા સહુને મન તિર્થકર સ્વરુપે છે.