Friday, October 24, 2008

"અનોખું બંધન"

મારી આ રચના પ્રિય મિત્ર ચેતનાબેન ધ્વારા એમના બ્લોગ "અનોખું બંધન" પર મુકવામાં આવેલ છે અને આજે એને હું ફરી અંહી આવરું છું.


અનોખું બંધન જામ્યું 'કેમ છો?' કહીને,
પછીથી પાંગર્યુ હળી મળી ને,
અટક્યું એક વાર 'પછી મળશું' કહીને,
અનોખું બંધન જામ્યું 'કેમ છો?' કહી ને...

આંખોમાં રહ્યું એ 'પ્રતિક્ષા' બનીને,
દ્રષ્ટીમાં વસ્યું એ 'હરખ' કરીને,
પછી ધીમેથી ટપક્યું એ 'વિરહ' બનીને,
અનોખું બંધન જામ્યું 'કેમ છો?' કહીને..

શ્વસનમાં મહેક્યું એ 'સુવાસ' બનીને,
યાદોમાં આવ્યું ક્યારેક 'હાંફ' ચઢીને,
પછી ધીમેથી છટક્યું એ 'નિશ્વાસ' બનીને,
અનોખું બંધન જામ્યું 'કેમ છો?' કહીને..

કાગળ પર લખાયું એ 'પ્રેમ-પત્ર' બનીને,
રાહમાં જોવાયું 'પ્રત્યુત્તર' બનીને,
પછી ધીમેથી રચાયું કોઇ 'કવીતા' બનીને.
અનોખું બંધન જામ્યું 'કેમ છો?' કહીને..

"માં,હવે શું તને એકલું લાગે છે?"

માં,હવે શું તને એકલું લાગે છે?
માં,હવે તને મારા વગર સુનું લાગે છે?

વર્ષો સુધી ટીપે-ટીપે લાગણીઓ તું મને પિવડાવતી,
રોજ સવારે જોઈ મને તું ચહેરો કેવો મલકાવતી,

સ્કુલે જતા વહાલ ભરેલી ચુમ્મિઓ મને આપતી,
ઘરે પાછો ના આવું ત્યાં સુધી ઝાંપે પહેરો રાખતી,

ગુલાબજાબુંની ચાસણી જેવી મમતા તું વરસાવતી,
દોડા-દોડી કરાવું તો ગુસ્સાથી આંખો કેવી તું કાઢતી,

રોજ જ મારું મનગમતું ને ભાવતું ભોજન બનાવતી,
રોટલી ઉપર ઘી રેડી રેડી ને બહું તું મને ખવડાવતી,

ઉડવાનું તું બળ આપતી ને ઉડતા પણ શીખવાડતી,
ઢળી ગયેલા સૂરજ પછીની પરોઢ બનવા જણાવતી,

આજે...જ્યારે હું ઉડી ગયો છું,
પરોઢ બનવા નીકળી ગયો છું,

ત્યારે...માં,શું તને એકલું લાગે છે?
માં,હવે તને મારા વગર સુનું લાગે છે?