Tuesday, June 4, 2013

શ્યામ ગયા પછી.

યમુના ના શાંત વહેતા પાણી પર ચંદ્ર્ના પડતા પ્રતિબિંબને નિહાળતી રાધા,એના શ્યામની રાહ જોવામાં ડુબેલી છે. એના નયન ચંદ્રના પ્રતિબિંબમાં પણ એના ક્રૃષ્ણનું જ મુખ જોઈ રહ્યા છે.
 રાધાના હ્રદય પર પગરવ થયો..
 શ્યામ આવ્યા, મારા શ્યામ આવ્યા..
 મોરલીના સૂર કાનમાં ગુંજવા લાગ્યા..
 ને રાધા બાવરી બની અવાજની દિશા શોધવા લાગી..
 એના શ્યામને શોધવા લાગી,એના ક્રૃષ્ણને શોધવા ભાગી.
થોડા કદમ ચાલી પછી બેબાકળી બની આમ તેમ ભાગતી રાધા ને થયો પોતાની ઓઢણી ફસાયાનો અહેસાસ.
 એ થોભી ગઈ ને આંખ મિંચીને આશ કરવા લાગી..
 જરૂર મારા શ્યામે જ મને છેડવા છૂપાઈને ઓઢણી પકડી હશે.
પાછળ મિટ માંડી,એક નિશાસો નાખી ઓઢણી છોડાવી રાધા આગળ ભાગે છે.
હજુ આગળ ભાગતી રાધાના મુખ માંથી ચીસ પડાઈ જાય છે.
ને એ ચીસ સાથે જ રાધા જમીન પર બેસી પડે છે.
 પગમાં પેસી ગયેલો શૂળ જોઈ..
 પોતાના શ્યામની યાદમાં વ્યાકુળ થયેલી રાધા આંસુ સારતા બોલે છે..
 શ્યામ...ક્યાં છો તમે..?
નજર સામે એ આખરી મુલાકાત આવે છે.
 "રાધે..ઓ રાધે..ચલ મારી સાથે,
  હું તને લેવા આવ્યો છું,પકડો મારો હાથ આપણે દૂર સુધી જવાનું છે."
રાધાઃ આ શું કહો છો શ્યામ?આ યમુના કિનારો,આપણા મિલનની જગ્યઓ અને આ પ્રેમની નગરી મુકીને ક્યાં જવા કહો છો?
ક્રૃષ્ણઃ રાધે,મારો કાયમી વસવાટ અંહી શક્ય નથી.મારો જન્મ પાપનો નાશ કરવા થયો છે.પાપીઓ ને એમના શ્રાપ માંથી મુક્તિ અપાવવા થયો છે.મારે આગળ જવું પડશે.
હું આ લાગણીઓની માયા જાળમાં બંધાઈ નહી શકું.
રાધાઃ આપણો પ્રેમ માયાજાળ છે?હું બંધન છું?
     હે શ્યામ..હું તો એ કાન્હાને ચાહુ છું જે માખનચોર કહેવાય છે,
     એના પ્રેમમાં બાવરી છું જે હરેક ગોપીના હ્રદયમાં વસે છે છતા ખાલી મને ચાહે છે,
     જે યમુના કિનારે મને ખૂબ રાહ જોવડાવે છ ને પોતાની પ્રેમજાળમાં મને ફાંસે છે,
     જે મોહક નજરોથી જોઈ મને શરમાવે છે,
     જેના મનની હું રાણી છુ ને જે મારે મન બધું જ છે,
     મારા નાથ છે,સર્વસ્વ છે.
ક્રૃષ્ણઃ હા પણ સમય બદલાય છે રાધે,સમય સાથે આગળ ચાલવું પડે છે.
    અને હું તો તને લેવા જ આવ્યો છું.
રાધાઃ ના..શ્યામ ના..
     તમારી આંખોમા હવે મને રાજકુમારનું નૂર દેખાય છે.
     કોઇ દિવ્ય શક્તિની છાંયા દેખાય છે મને.
     હું ગામની ગોવારણ તમારી સાથે ના શોભુ.
ક્રૃષ્ણઃ રાધે..તુ મારી પ્રિત છે,હું મારી પ્રિતને ભુલાવી ને આગળ નથી જવા માંગતો.
રાધાઃ જ્યારે નવું કઈક પ્રાર્ંભ થાય છે ત્યારે જુનુ ઘણું બધું પૂર્ણ થાય છે.
     હું તમારી સ્મૃતિઓને હ્રદયમાં જીવંત રાખી જીવન વિતાવી લઈશ.
બોલતા બોલતા રાધાનાં આંસુ યમુના જળમાં પડે છે.
આંસુ યમુના જળ સાથે વહીને આગળ જતા રહે છે અને
શ્યામ પણ રાધાને આટલું કહી જતા રહે છે.
 "હે રાધે, તે મને કરેલો પ્રેમ જગતમાં હરેક પ્રેમી અને પ્રેમીકા યુગ યુગાતંર સુધી યાદ કરશે. હું ક્યાય પણ રહીશ પણ મારા હ્રદયમાં તારી પ્રિત કાયમ રહેશે.
મારા માનવીય અસ્તિત્વનાં નાશ પછી પણ,મારા નામની પહેલા સદાય તારુ નામ લેવાશે.
અને એ પ્રકારે તારો અને મારો સાથ ક્યારે પણ નહી છૂટે."

 પગમાં ખૂંપેલો શૂળ કાઢતા રાધા બોલી ઉઠી..હરે ક્રૃષ્ણ..
 સાથે ધીમે વાતો વાયરો બોલે છે..રાધે-ક્રૃષ્ણ.
 ખરેલા સૂકા પાનમાં થયો ખળભળાટ ને સંભળાય છે..રાધે-ક્રૃષ્ણ.
 યમુના ના શાંત પ્રવાહ સાથે વહે છે..રાધે-ક્રૃષ્ણ.
 આંબલીયાની ડાળોએ જુલે છે..રાધે-ક્રૃષ્ણ.
 મોર-પપીહા-કોયલનાં ટહૂકે ગૂંજે છે..રાધે-કૃષ્ણ.
 શ્યામ ગયા પછી બધે જ છે..રાધે-ક્રૃષ્ણ.
પણ કોઈ જાણી શકયું,રાધા કેટલું તડપી..શ્યામ ગયા પછી?
કોઇ ને યાદ છે રાધાના હાલ,શ્યામ ગયા પછી?
રાધાને મળ્યુ બસ શ્યામનું નામ,શ્યામ ગયા પછી..
ફરી પણ ક્યાંક જન્મી હશે રાધા,શ્યામ ગયા પછી..
જોવાતી હશે રાહ ક્રૃષ્ણની,શ્યામ ગયા પછી.