Monday, April 16, 2012

*****

માટીની સુગંધ તો દૂરની વાત,
ફૂલો પણ મળે હવે અત્તર સ્વરુપે છે,

ધગધગી ઉઠ્યો હતો જે લાવાની જેમ,
આજે એ ઠરેલા પથ્થર સ્વરુપે છે,

નથી કહેવાયું મારાથી હજી સુધી શ્રેષ્ઠ,
કેમ કે અંહી બધુંજ અક્ષર સ્વરુપે છે,

સ્વર્ગ અને નરકની માન્યતા છે એટલી,
... કે દિવ્યતા સહુને મન તિર્થકર સ્વરુપે છે.

કેટલાક શેર

***ઉદાસી તારા ચહેરાની કોઇ જોઈ ના શકે ભલે,
ગમગીની તારા શબ્દોની હું વાંચી લઉ છું ખરી.

***આંખ મીંચુ તો બધાજ પ્રસંગો દેખાઈ જાય છે..
જીવનના,
અરીસા સામે તો હું અમથી જ ઊભી રહું છુ.

***ભૂતકાળમાં ખોવાઈ જઉ તો ક્યાં એ નથી મળતા,
તકલીફ નો વર્તમાનમાં આવ્યા પછી જ થાય છે.

ગરમાળો બનવાની આશ છે.

એકવાર બસ મને..
ગરમાળો બનવાની આશ છે,

ભર ઊનાળે બળી બળીને..
ખિલી ઊઠવાની આશ છે,

વસંતના નામની પીળી પીળી..
ઓઢણી ઓઢવાની આશ છે,

આકાશની ઉષ્ણ નજર સામે જ..
નખશીખ સજવાની આશ છે,

પીળા પીળા શ્વાસ ભરી ને..
પીળા સ્વપ્ન જોવાની આશ છે,

ખરી ખરીને ધરતીની આંખોએ..
પીળુ આંજળ કરવાની આશ છે,

કહીદો પેલા પીળા સૂરજને કે..
એના રંગે મને તરબોળ થવાની આશ છે,

એકવાર બસ મને..
ગરમાળો બનવાની આશ છે.

Monday, March 26, 2012

મમ્મી પાછી આવી ગઈ. - A short story.

ટીંગ ટૉંગ..ટીંગ ટૉંગ..
ટીંગ ટૉંગ..ટીંગ ટૉંગ..
ઉપરા ઉપરી ડૉર બેલ વાગવી..
સૌમ્યા ઝડપથી બૅડમાંથી ઊઠી હૉલ તરફ ભાગી.
ઝટકાથી દરવાજો ખોલ્યો કે આવી કોણ બેલ મારે છે.
ખોલી ને જોરથી બોલી ઊઠી : મમ્મી....
તમે...ક્યાંથી??
મોઢુ ફાડી ને જોઈ જ રહી..
તમે તો...તમે તો...
(શબ્દો જ નહોતા નિકળતા.)
મમ્મીનું એક નાની બૅગ ઉચકી ને અંદર પ્રવેશવા જવું.
સૌમ્યા જાણે એમને પહેલી વાર જોતી હોય એમ ઉપર થી નિચે ને નિચે થી ઉપર જોતા જોતા બોલીઃમને આપો બૅગ..પાછળ બિજી મોટી બે બૅગ હતી.
સૌમ્યા :આટલી બધી બૅગ ક્યાથી લાવ્યા..??
શું ભરી ને લાવ્યા??તમે ક્યાંથી આવ્યા?
મમ્મી હસતા હસતા હિંચકા તરફ જાય છે..
હિંચકા પર બેસતા બેસતા બોલ્યા :
અલી કહુ છુ બધું...જરા હાસ તો ખાવા દે..
પાણી આપ..પાણી..
સૌમ્યા :હા..હા..આપું પણ તમે...
(સૌમ્યાનું રસોડા તરફ જવૂં)
મમ્મી :તમને શું લાગ્યું હું જતી રહી??
એમ??
સૌમ્યાએ પાણી નો ગ્લાસ ધર્યો..
ગ્લાસ લેતા લેતા મમ્મી :
મારા બચ્ચાઓ ને,મારા ઘરને મૂકીને હું જતી હોઈશ?
સૌમ્યા સામે જોઈ બોલ્યા : મમ્મી એવું કરે??કહે તો??
સૌમ્યા :(જોરથી ભેટી ને રડતા રડતા )મમ્મી...
હું કેટલી એકલી થઈ ગઈ હતી.
આવી મજાક કરાય??
અમે કેટલું યાદ કરતા હતા.આટલા મહિના તમે ક્યાં હતા??
હું કેટલું રડી છું તમારા વગર.
હું બધાને ફૉન કરું છું ફટાફટ અને કહું છું,"મમ્મી પાછી આવી ગઈ."
બધા દોડતા ઘરે આવશે.

ટીંગ ટૉંગ..ટીંગ ટૉંગ..
ટીંગ ટૉંગ..ટીંગ ટૉંગ..

ઉપરા ઉપરી ડૉર બેલ વાગવી..
સૌમ્યા સફાળી ઊભી થઈ.
સવાર ના ૬:૩૦.
દોડતી ગઈ દરવાજો ખોલ્યો..
સામે ગાડી ધોવા વાળો : મૅડમ દોનો ગાડી કા ચાવી દો.
સૌમ્યાચાવી આપતા આપતા એને જોતી રહી.
સપના માથી જાણે બહાર આવતા આવતા સામે દિવાલ પર જોયું.
મમ્મી નો ફોટૉ.
શુન્ય મનશ્ક હિંચકા પર બેસી.
થોડી વારે જોરથી રડીને પોતાને જ કેવા લાગી..
લાગ્યું કે "મમ્મી પાછી આવી ગઈ."

કેટલીક વાર્તાઓ હ્રદયમાં જ છપાય છે અને હ્રદયમાં જ એનું વિમોચન થાય છે.

Friday, January 6, 2012

"............"

પળ પળ છળના હિસાબ સચવાતા નથી હવે,
તેથી વખતને અધુરે જ પુરો થવા કહુ છું,

કરી હ્રદયને વળી પાછુ સળવળતું,
હું આંખોને ઘાઢ નિંદરમાં પોઢવા કહું છું,

અંદર વસે છે જે એક ખાલીપો,
એને બસ અમર થવા કહું છું,

શાબ્દિક શણગાર પણ ભપકા લાગે છે હવે,
મન અને કાગળને એટલે જ કોરા રહેવા કહુ છું.

Sunday, June 13, 2010

પરિણામ

ચોરસના ખૂણા કોઈ ભૂંસી જાય ભલે,
અનંત વર્તુળો મારી આસ-પાસ છે,

કોઈ અધંકાર વળગી તો જુવે મને,
મારી જાત એક બળતું ફાનસ છે,

છું હું તો સાગરની મઝધાર,
મને કિનારાની ક્યાં આશ છે,

ભૂલ કરું છું એ પણ મનગમતી,
કેમકે જાણુ છું પરિણામ ખાસ છે.

Thursday, June 3, 2010

આમજ થાય છે...

માણસથી પણ વફાદાર હોય છે માણસની યાદો..,
પત્ર,પીંછુ,ગુલાબ અને રૂમાલ..
માણસ ગયા પછી પણ કેવા સચવાય છે..,

કહેવાય છે કે સમય પસાર થઈ ગયો..,
ના કોઇ આહટ,ના પગરવ અને ના કોઇ પદચિન્હ..
પણ સમય ગયા પછીએ સબંધ કેવા ઘસાય છે..,

આ બધું જાણે મને જ આવું લાગે છે..,
નવું,નવાઈનું અને વિચિત્ર..
કે પછી રોજ બધે આમજ થાય છે..?

Monday, May 3, 2010

મળી છે...

સાચી જ છે આપણી મહોબ્બત,
જો એને કેવી કળા મળી છે,
મળવાનાં કરીયે વિચાર,
એમાં જ મળવાની મજા મળી છે,

મળ્યા વગર જ વિતાવાની છે જિદંગી,
જાણે કે એવી સજા મળી છે,
શરીર રહે છે આટલે દૂર,
પણ રૂહને તો જાણે મળવાની રજા મળી છે.

પિરામીડ

ભણ્યાં હતાં ને સ્કુલમાં,
ઈજીપ્તનાં પિરામીડોમાં શબ સચવાયેલા છે,
કપડામાં લપેટીને,
ઔષધીઓ ભરીને,
મનાય છે એક વાર જીવ એ શબમાં જરૂર પાછો આવે છે,

મેં પણ ઘણુ સાચવીને રાખ્યુ છે,
તારા પેલા સફેદ રૂમાલમાં,
લપેટીને,
યાદોની ઔષધીઓ ભરીને,
કદાચ તુ પણ ક્યારેક પાછો ફરે તો...?

Friday, October 24, 2008

"અનોખું બંધન"

મારી આ રચના પ્રિય મિત્ર ચેતનાબેન ધ્વારા એમના બ્લોગ "અનોખું બંધન" પર મુકવામાં આવેલ છે અને આજે એને હું ફરી અંહી આવરું છું.


અનોખું બંધન જામ્યું 'કેમ છો?' કહીને,
પછીથી પાંગર્યુ હળી મળી ને,
અટક્યું એક વાર 'પછી મળશું' કહીને,
અનોખું બંધન જામ્યું 'કેમ છો?' કહી ને...

આંખોમાં રહ્યું એ 'પ્રતિક્ષા' બનીને,
દ્રષ્ટીમાં વસ્યું એ 'હરખ' કરીને,
પછી ધીમેથી ટપક્યું એ 'વિરહ' બનીને,
અનોખું બંધન જામ્યું 'કેમ છો?' કહીને..

શ્વસનમાં મહેક્યું એ 'સુવાસ' બનીને,
યાદોમાં આવ્યું ક્યારેક 'હાંફ' ચઢીને,
પછી ધીમેથી છટક્યું એ 'નિશ્વાસ' બનીને,
અનોખું બંધન જામ્યું 'કેમ છો?' કહીને..

કાગળ પર લખાયું એ 'પ્રેમ-પત્ર' બનીને,
રાહમાં જોવાયું 'પ્રત્યુત્તર' બનીને,
પછી ધીમેથી રચાયું કોઇ 'કવીતા' બનીને.
અનોખું બંધન જામ્યું 'કેમ છો?' કહીને..