Friday, September 28, 2007

ખુદને રાખું છું...

ખરી પડેલા પાનની પીળાશમાં હું ખુદને રાખું છું
ને કોમળ ઉગતાં ફૂલની મહેંકમાં પણ ખુદને રાખું છું

વ્યોમમાં ધુમરાતાં આ વાદળમાં હું ખુદને રાખું છું
ને વહેલી સવારે પથરાતી ઝાકળમાંય ખુદને રાખું છું

આંધી સાથે ઉઠતા પવનમાં હું ખુદને રાખું છું
ને બરફની જેમ થીજેલા પાણીમાં પણ ખુદને રાખું છું

ગઝલ ભરેલી દુનીયામાં મૌન હું ખુદને રાખું છુ
જામેલી મહેફીલના રણકારમાંય ખુદને રાખું છુ

આશાઓ ભલે મરે પણ ઈચ્છાઓમાં ખુદને રાખું છું
જીવન ઉડી જાય ભલે ઢાંકીને કફનમાં ખુદને રાખું છુ

Friday, September 21, 2007

રીસાયેલી છે કલમ છતા લખાઇ જાય છે,
રડતા અંતરે પણ શબ્દો રચાઇ જાય છે..

અમારી હથેળી ઓ તો જન્મ થી જ ખાલી છે,
છતા હસ્તરેખાઓ જોઇ આશાઓ ઉભરાઇ જાય છે..

લાગણી ઓ છે એમની નિર્જીવ પથ્થર જેવી,
પણ મારી વેદનાઓ ત્યાં જઇને જ કોતરાઇ જાય છે..

લખતા ખુટી જાય અગર શાહી ક્યારેક તો,
ખૂન પણ આલેખાવા તૈયાર થઇ જાય છે..

વહેતી કરવા બેઠા છીએ આજે ખુશીઓ ની સરીતા,
પણ કોણ જાણે કેમ દર્દ ભરેલી કવિતા રચાઇ જાય છે.

Wednesday, September 19, 2007

હા.. હા.. હા..

જ્યારથી ઊડતી જોઈ છે તારી ચોટલી,
મને ભાવતા નથી શાક રોટલી,

તારા હાથ પગ છે કેવા પાતળા,
જાણે તેલ વગરનાં કોરાં ઢોકળા,

તું આંખમાં આંજે આંજણ,
જાણે ચુલા પર બળેલુ આંધણ,

તારાં નાકનું ટેરવું એવું,
જાણે શીંગોડાના ફોતરાં જેવું,

તુ પહેરીને ચાલે જ્યારે સાડી,
લાગે જાણે પંચર પડેલી ગાડી,

તને જોઈને તો એક જ વિચાર જાગે,
ભાગો.. બિલ્લી જોઈ જેમ ઉંદર ભાગે.
હા.. હા.. હા..

મોહન

તારી સાથ સાથ રહેવું છે મોહન,
મારે હરદમ સાથ રહેવું છે મોહન,

તું જો બને બંસરી,સાત સૂર હું બની જાઉ,
હોઠોં પર સાથે નાચીશું મોહન,
મારે હરદમ સાથ રહેવું છે મોહન,

તું જો બને મુકુટ,મોરપિંછ હું બની જાઉ,
મસ્તક પર સજીશું મોહન,
મારે હરદમ સાથ રહેવું છે મોહન,

તું જો બને પુષ્પ, સુતર હું બની જાઉ,
હ્રદય પાસે મળીશું મોહન,
મારે હરદમ સાથ રહેવું છે મોહન,

તું જો બને ચંદન,કેસર જળ હું બની જાઉ,
લલાટ પર લીપાઇશું મોહન,
મારે હરદમ સાથ રહેવું છે મોહન,

તું જો બને નટખટ કાનજી,રાધા હું બની જાઉ,
રાસની રમજટ જમાવશું મોહન,
મારે હરદમ સાથ રહેવું છે મોહન,

તું જો બને જ્ઞાન, ભાવાર્થ હું બની જાઉં,
ગીતામાં લખાઇશું મોહન,
મારે હરદમ સાથ રહેવુ છે મોહન,

તું જો બને શબ્દો,રાગ હું બની જાઉ,
કિર્તન માં ગવાઇશું મોહન,
મારે હરદમ સાથ રહેવુ છે મોહન.

Tuesday, September 18, 2007

સાંભળ સખી..

બાંકડો બોલાવે પેલો..
સાંભળ સખી બાંકડો બોલાવે પેલો,

સાંજ પડે ને ભાગી ને પંહોચતા..
મમ્મીની ના સાંભળતા ના પપ્પાને ગણકારતા,

દોરડા કુદતા કેવા ને લંગડી મજાની રમતા..
આંધળી ખિસકોલી,થપ્પા અને દોડપકડ ના દાવ,

પડતા આખડતા અને ઘુંટણીયા છોલાતા..
અંચાઇઓ ની તકરાર ના કેવા ચલાવતા ઝગડા,

દોડી દોડી ને જ્યારે લાગતો થાક..
જઇને તરત પેલા બાંકડે પટકાતા,

ભીચડમ ભીચડમ માંય જોડે જ બેસતા..
ને બીજા ને ધમકાવી આઘા ભગાવતા,

હાલ ને અલી આજેય જઇએ બેસવા પેલા બાંકડે..
વાતો કરવા,મસ્તી કરવા ને દોસ્તી પાક્કી કરવા,

આપણે તો ઉછરી ને હાલતા થયા..
પણ પેલો બાંકડો ત્યાં થી દેછે સાદ..

જો સાંભળ સખી..બાંકડો બોલાવે પેલો ..
જો બાંકડો બોલાવે પેલો.

Monday, September 3, 2007

મિત્રતા

અમે જોઇએ જો અમથુ..તમે સ્મીત આપી દેજો,
મારે માંડવુ હોય જો એક ડગલુ..તમે સંગાથ આપી દેજો,

અમે બનીએ જો માછલી તમે ખોબો પાણી આપી દેજો,
સાથ તમારો બસ છે મને ક્યારેક માંગુ તો સહારો આપી દેજો,

માંગુ છુ કેવા અધિકાર હું ખબર નથી કેમ,
માંગવાની જરુર ના રહે હવે એટલી મિત્રતા આપી દેજો.

Tuesday, August 28, 2007

આજે રક્ષાબંધન

કુમ-કુમ કેરા તિલક અને ચાર દાણા ચોખા,
આરતી ની થાળી સાથે પકવાન અનોખા,

બાંધુ આજે હું તો વિરલા ને રાખડી,
ભાવ થી ભરાઇ આવે બેવ ની આંખડી,

હેત ના ઘુટડા ને મીઠાઇ ના ટુકડા,
ક્યારેય ના આવે તને જીવનમા દુખડા,

કેટલી અંચઇ તારી ને કેટલા તોફાન,
રોજ-રોજ તુ પકડાવતો મારા કાન,

તારા વાંક પર પડતી વઢ મને,
બહુ ડાહ્યો ને લાડકો ગણે સહુ તને,

થઇ ગયા હવે બેવ સમજદાર,
તે પણ સંભાળ્યો હવે જીંદગી નો ભાર,

હસતો રહેજે આમ જ સદાય,
બની ને રહેજે માત-પિતા ની સહાય,

હું તો મુકી ને ગઇ ચાર થાપા દરવાજે પણ,
લક્ષ્મી જેવી લાડી લાવી તુ ઘર આંગણ સજાવજે.

Monday, July 30, 2007

સનમ....

ક્યારેક મળી જવાય જો ભુલથી..સનમ,
લાગશે એમ બંદા પાસે જાણે ખુદા આવે,

ક્યારેય ના મળે તમને દર્દ..સનમ,
દિલમા તારા માટે એજ દુઆ આવે,

બે ઘડી ઝંખી લઉ છુ તને..સનમ,
પછી ભલે નશીબમાં વેદના આવે,

સીધી રહે તારી જીવન-સફર..સનમ,
અમારે ભલે વળાંક વારં-વાર આવે,

લઇ જઇશ પોતાને હું એટલે દૂર..સનમ,
કે મને મળવા ના ખુદ "હુ" આવે,

પાનુ ફેરવી લેજે પ્રેમથી..સનમ,
જો ક્યારેક નજરમાં મારી વાર્તા આવે.

Sunday, July 29, 2007

"આભાષ"

નજરો સામે ખુલ્લુ આકાશ છે,
ને મન માં શુન્યાવકાશ છે,

કોઇયે ના સાંભળે સાદ મારો,
એટલે દૂર મારો રહેવાસ છે,

ફરી જાય છે મારી મંજીલ પણ મળ્યા પછી,
હવે રસ્તા નેય મારા માટે ક્યાં નવરાશ છે,

તાળા મારે છે હવે તો દિલબર પણ હ્રદય પર,
જુઓ તિજોરીઓ માં રાખે એમના શ્વાસ છે,

દેખાય છે અંહી મારો હસતો ચહેરો હંમેશા,
અફસોસ એ તમને થતો એક આભાષ છે

Thursday, July 26, 2007

મુંજાય..ઇર્ષાય..તોય, પ્રેમ્.

લપસ્યા તો હતા બન્નેવ ઢાળ પરથી,
તો તુ અથડાય આમ-તેમ..
ને હું તને આમજ જોતી રહું..?

હું ક્યાંથી એમ મન મનાવુ,
કે તુ ઘસાય પથ્થર બનીને..
ને હું નદી ની જેમ વહેતી રહું..?

વિશાળતા હ્રદયની તો બન્નેવે દાખવી,
હવે તુ એકલતા ભોગવે..
ને હું લાગણીઓ ઉજવતી રહું..?

હાથ પકડી ને તો મઝધારમાં પહોંચ્યા,
તુ હવે ડુબતો જાય ને..
હું તારી સામે તરતી રહું..?

વિહર્યા તો હત બન્નેવ ગગન સુધી,
હવે તરી પાંખ જો કપાતી જાય..
તો હું વાદળોને રોજ ચુમતી રહું..?

તારી સમજૂતીઓ તો મુંજવી જાય મને,
કેમ તુ આમ ભુસાતો જાય..
ને હું તાજુ પરોઢ બની છપાતી રહું..?

સવાલો મારા હું કઇં એમ ભુલીશ નહિ,
બલિદાન ના બિરૂદ તુ એકલો મેળવે..
ને હું એમા કેમ અળગી રહું..?