Saturday, August 16, 2014

કૃષ્ણાર્થમ્.

પર્વત પરથી પથ્થર ત્યારે જ પડે છે જ્યારે એ દ્રઢતાથી પર્વત પર ના બેસ્યો હોય.
હું, કૃષ્ણ,
 ગીતાની ગરીમા ધ્વારા કર્મ યોગ અને ભક્તિ યોગ નો કેવળ માર્ગ બતાવી શકુ છું.
પરંતુ..હે માનવ, કિચડ માથી કમળ બની ને ઉગવાનું તો તારે છે.હું પૃથ્વીનાં કણ કણ માં વસુ છું,અત્ર તત્ર સર્વત્ર વાસ કરુ છું.ભ્રમાંડનાં અંશ અંશ માં છું,ગ્રહ ,નક્ષત્ર,તારા મડંળના અસ્તિત્વમાં છું.પરંતુ એમા વસેલા કૃષ્ણને શોધી આત્મજ્ઞાન મેળવવાનું તારે છે, હે..માનવ.

 જે માનવુ પડે છે એ સત્ય નહિ પણ આભાસ છે, પડછાયાની જેમ જ.અને પડછાયો હંમેશા પ્રકાશની વિરૂધ્ધ દિશામાં પડતો હોય છે.માટે જ કૃષ્ણમાં કેવળ માનવાની જરૂર નથી પરંતુ કૃષ્ણની મહિમા ને સમજી ને અપનાવાની જરૂર છે.
 મનુષ્ય જ્યારે પર્વત ચઢતો હોય ત્યારે એ પર્વતને પોતાના યોગ્ય નથી બનાવી શક્તો પરંત પોતાને પર્વતને યોગ્ય બનાવી શકે છે.એજ પ્રમાણે જીવન માટે પણ આજ નિયમ લાગુ પડે છે.મનુષ્ય જીવનને પોતાને યોગ્ય બનાવવા કરતા પોતાને જીવન ને યોગ્ય બનાવે તો સફળતા અને સુખની પ્રાપ્તી થાય છે.
પરંતુ મનુષ્ય તો પોતાની ભાવનાઓ અને વચનો ને જ માન અને મહત્વ આપે છે જીવનભર અને બિજાની ભાવનાઓ , લાગણીઓ અને વચનોની કિંમત જાણવા પ્રયાસ જ નથી કરતો.ભાવનાઓ આપણને અંધ બનાવી દે છે પરંતુ એનો અર્થ એ પણ નથી કે હરેક વખતે કઠોર બની જઈ ભાવનાઓ નો ત્યાગ કરવો કે અવગણના કરવી.જ્યાં પ્રેમ હોય છે ત્યાં મોહ પણ હોય જ છે પરંતુ પ્રેમ મુક્તિ અપાવે છે અને મોહ બાંધી દે છે.જ્યાં પ્રેમની આપ-લે સદાય થતી રહે છે ત્યાં મોહ જન્મી જ નથી શક્તો.પ્રેમ સામે પ્રેમની ઈચ્છા એ માનવ નો સ્વભાવ છે.
 ઈચ્છા,આકાંશા,અપેક્ષાઓ ની ધાર પર જ માનવ સમાજ ચાલે છે.ઘણીવાર મનુષ્ય પોતે અંદરથી મરી પામે છે પણ લગાવ અને ઈચ્છાઓ ને નથી મારી શક્તો.સંબધો માં સંપૂર્ણ સુખ અને સંતોષ શોધે છે અને જીવનભર એ સંબધોથી અપેક્ષીત રહે છે.પરંતુ જ્યારે ઈચ્છાઓ અધૂરી રહે છે, આકંક્ષાઓ તૂટી જાય છે ત્યારે શરૂઆત થાય છે ઘર્ષણ અને સંઘર્ષની.અને એ પછી મનુષ્ય પ્રેમ દર્શાવવાનું છોડી કેવળ શક્તિ પ્રદર્શીત કરે છે.સપનાઓ ની પાછય સદાય ભગતો મનુષ્ય એ ભૂલી જાય છે કે શક્તિ નો અર્થ હંમેશા સંઘર્ષ નથી હોતો,કર્મ કરી ને પણ શક્તિ પ્રદર્શીત કરી શકાય છે.
 સમાજનો દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક કોઇ ને કોઇ રીતે નિર્બળ તો હોય જ છે.હરેકમાં પ્રબળ શક્તિ અને સબાળતા નથી હોતી.ઘણા લોકો પોતાની શક્તિ અને બળને જાણી લઈ એનો ઉપયોગ જીવન ને સમર્થ બનાવવા કરે છે તો ઘણા પોતાની નિર્બળતાને જીવનની મર્યાદા બનાવી દે છે.નિર્બળતાને કેન્દ્ર બનાવી જીવવાથી માત્ર દુઃખ અને અસંતોષ પ્રાપ્ત થાય છે.નિર્બળતા જરૂર જન્મથી પ્રાપ્ત થાય છે અથવા ઈશ્વર આપે છે પરંતુ એની મર્યાદા ફક્ત માનવી નું મન સિમીત કરી શકે છે.
 સ્ત્રીના ગર્ભથી મનુષ્ય રૂપે જન્મ લેનાર ચમત્કાર નથી કરી શક્તા પરતુ મનુષ્ય જ્યારે સ્વાર્થ અને મોહ નો ત્યાગ કરી ધર્મની સ્થાપનાનો હેતુ હ્રદયમાં રાખે ત્યારે ઈશ્વર જરૂર ચમત્કાર કરે છે.કોઇ પણ યુગમાં જ્યારે મનુષ્ય પોતાને સમગ્ર આશાઓ,ઈચ્છાઓ,વિચારો,
સંકલ્પો,નિર્ણયો માંથી મુક્ત કરી મારાથી જોડાઈ જશે ત્યારે એ આત્મજ્ઞાન પ્રાપ્ત કરશે અને મુક્તિને સમર્પિત થઈ જશે.

સમજ પ્રમાણે ઢાળેલા મારા ઉપરોક્ત શબ્દો માં જો કૃષ્ણની ભ્રાંતી તમોને થશે તો મારો જન્મ સુધરી જશે.
જય શ્રી કૃષ્ણ.

Thursday, August 7, 2014

પા ભાગની પ્રેયસી~A short story

કૉફીના મશીનમાં પિસાતા કૉફીબીન્સ ને એકી ટસે જોઇ રહેલી અમી ને...

કૈરવઃ બસ,એમ જ ત્યાં જોતી રહે, તારી આંખો મને પરફેટ દેખાય છે અંહિ થી.

(એક ઊંડો શ્વાસ લઈ ને છોડતા છોડતા..કૈરવ સામે જોઈ)
અમી : મારી આંખો પેરફેટ દેખાતી હશે તને પણ નજરો નથી, માણસ ઓળખતા નથી આવડતુ એને.

કૈરવઃ તુ હવે યાર...બસ કરને, આપણે serious વાતો જ કરવાની છે?
તુ wrong છે અમી સાચુ.
પરીસ્થીતી પ્રમાણે બદલાઈ જવાનુ.
બધુ છોડતા શીખ.

 અમીઃ તને હું wrong નથી લાગતી હવે, મારી લાગણીઓ wrong લાગે છે,બધુ છોડુ તો છુ..દૂર તો જઈ રહી છુ તારી life થી.
અને હું એટલી હદે wrong નથી બસ તારાથી અલગ છું તારા જેવી નથી.
તારા જેવા બની ને તારા જોડે રહેવાનો શું અર્થ?
તુ ઘડી ઘડી બદલાઈ જાય તો મારે પણ એમ બદલાયા જ કરવાનું?

કૈરવઃ પરીવર્તન તો આવે બધુ એમ જ ના રહે માણસ બદલાઈ જાય.
change is the life and real meaning of life.

અમીઃ હું પણ પરીવર્તનમાં માનુ જ છુ તારા માટે હું પણ બદલાઈ જ છુ,
સમય અને સંજોગનું પરીવર્તન વ્યક્તિને સમર્થ બનાવે છે,
પણ વ્યક્તિ મા આવતુ ભારે પરીવર્તન એની સાથે જોડાયેલ બિજી વ્યક્તિઓ ના જીવન ને અસમર્થ બનાવે છે.
તુ પહેલાની જેમ ના રહે કમ સે કમ લાગણીઓ તો પહેલા જેમ રહે કે નહી?

કૈરવઃ તો લાગણી તો છે જ ને,પણ જરૂરી નથી કે જતાયા કરીયે.
તે મારી propasal ના જવાબ ના પાડી હોત તો શું હું મજનૂ બની જતો?
પડી રહેતુ એ બધું એક ખૂણામાં એમા શું.

અમીઃ ખૂણામાં તો કચરો કાઢી ને ઢગલી કરાય કે આવતા જતા એ પગમાં ના આવે.
મારી હા પછી પણ જે આપણી વચ્ચે થયુ જે રીતના સંબધ બંધાયા એનું મુલ્ય તારા
મન આટલું જ છે?
તો આટલુ સમજી લે કે મે તને પ્રેમ કર્યો છે અને કરતી રહીશ પણ હું કોઈ ક્રિકેટ boll નથી કે તુ સામેની દિવાલ પર જોર પુર્વક પટકીશ તો એટલી જ જોર પૂર્વક હું ધસી ને તારી પાસે આવીશ.
હું તીર છું, જેટલુ જોર પૂર્વક ખેંચી બાણ માંથી છોડીશ એટલું જ ઊંડુ સામે જઈ ભોંકાઈ જઈશ.

કૈરવઃ તુ તો બંધૂક માંથી છૂટેલી ગોળી છે, જોખમી...છે.
માણસ ઉપર જ પહોચી જાય.
હા...હા..હા..

અમીઃ Shut Up.

કૈરવઃ અરે હા..ચેતન ભગતની નવી બુક લોન્ચ થઈ "Half Girlfriend" ખબર છે?

(પર્સ લઈ ને ઊભા થતા થતા)
અમીઃ એમણે તો half girlfriend પણ રાખી તે તો મને પા ભાગની પ્રેયસી પણ નથી માની.
તારા મન હું શું છુ એ જ નથી ખબર.
કૈરવઃ(મજાક કરવા) Multi Purpose.

(અમીને ફરી Shut Up બોલવાનું અર્થહિન લાગ્યું.)
ખૂમારી થી કૈરવ સામે જોઈ એ બોલીઃ
તુ જે પ્રમણે રાખવા ઈચ્છે છે એ પ્રમાણે બે વ્યક્તિ વચ્ચે સંબધ ના રહે,
ફક્ત ઓળખાણ રહે.
અને એ આપણા વચ્ચે કાયમ રહેશે.
chair દૂર કરી એ કૉફી શૉપના દરવાજા તરફ આગળ વધી.

કૈરવઃ (અમી તરફ પાછળ મો કરી ને)
ઓય, પા ભાગની પ્રેયસી..બહાર બહુ જ વરસાદ છે ક્યાં જાય છે પલળી  જઈશ.

અમીઃ (હાસ્ય સાથે)
વરસાદ તો બહાર પણ છે અને મારી અંદર પણ,જાણું છું એટલુ જલ્દી બધુ સુકાશે નહીં.
પણ હવાઈ જ ગયુ છે તો હવે પલાળી પણ જોઈએ.
Good Bye.
કાચના દરવાજા પર પછડાતી વાછટ ની વચ્ચે "Pull" ના Sticker ને કૈરવ જોઈ રહયો.

"વસ્તુ હોય કે વ્યક્તિ નિયમ એકજ લાગુ પડે છે,
ધક્કો મારવો સહેલો છે, પાસે લાવવુ અઘરુ છે."

Friday, February 21, 2014

વિશ્વ માતૃભાષા દિન

પ્રસુતીની પીડા માથી થોડી જ ક્ષણો પહેલા મુક્ત થયેલી લબ્ધી પરસેવે રેબજેબ આંખો બંધ કરી માથા નીચેના ઓશીકાને જોરથી પકડી રાખી ડૉક્ટર અને નર્સને પ્રસુતી પછીનું કામ પતાવતા અનુભવી રહી છે.
પોતાના શરીરથી બાળક છુટુ પડી આ દુનીયા મા અવતરી ગયું છે બસ એટલો જ એને ખયાલ છે,પોતાને છોકરી જન્મી છે કે છોકરો એવા સવાલ મનમા વર્તાવા શરૂ થાય ત્યાંજ એક હૂફાળો અને વહાલ ભર્યો હાથ એના કપાળ પર મુકાયો.
મો એ તરફ કરી એ આંખો ખોલે છે, સામે મનસુખ હસતા ચહેરે ઉભો છે અને એને પણ હસવા ઈશારો કરે છે.
પોતાની મૂછો આમળતો છાતી ઠોકી એને જણાવા પ્રયાશ કરે છે કે મારા જેવો છોકરાનો જન્મ થયો છે.
પતિ પત્ની હર્ષ ના આંશુ માણી રહ્યા છે..
લબ્ધી એને ઈશારાથી પૂછે છે એનો વાન કોના જેવો છે..?
મનસુખ સુંદર ગોરો..ગોરો તારા જેવો એવો ઈશારો કરે છે..અને આંખો નો રંગ મારા જેવો એવુ વર્ણન કરે છે.લબ્ધી મનસુખનો હાથ પકડી ખૂશી વ્યક્ત કરે છે પણ અચાનક એ મનસુખનો હાથ જોરથી હલાવી પુછવા અને કહેવા પ્રયત્ન કરે છે કે તે જોયુ નહી જાણ્યું નહી બાળક રડે છે કે નહી? ડૉક્ટર ને પૂછ એનો રડવાનો અવાજ આવ્યો...?
મનસુખ તરત જ હાથ છોડાવી પાછો ફરી ડૉક્ટર તરફ જવા જાય છે ત્યાંજ એક નર્સ બાળકને કપડામાં લપેટેલું લઈ આવે છે અને લબ્ધી ને ઈશારો કરે છે કે બાળક રડી રહ્યું છે,તુ જલ્દી થી સ્વસ્થ થઈ જા એને માતાનાં દૂધની જરૂર છે.
મનસુખ એકદમ ઉત્સુક્તાથી નર્સને પુછવા ઈશારા કરે છે કે તમને એનુ રડવાનું સંભડાયું?
ત્યાંજ ડૉક્ટર આવી મનસુખના ખભે હાથ મુકી એને શાંત્વા આપે છે અને ઈશારાથી સમજાવે છે કે તમે બન્ને ચિંતા ના કરશો બાળકની બધી જ ઈંદ્રીયો બરાબર કામ કરે છે.
મનસુખ ખુશીથી જુમી ઊઠે છે અને લબ્ધી પોતાનુ સઘળુ દર્દ ભુલી બાળકને છાતીએ ચાંપે છે.
આ હતી એક મુકબધીર દંપત્તિની માતૃભાષા, ઈશારાથી ભરેલ મૌનની ભાષા.
કોઇ લિપી કોઇ અક્ષર કોઇ વ્યાકરણ વગરની ભાષા..
માત્ર પ્રેમ,લાગણી અને સમજની ભાષા.

વિશ્વ માતૃભાષા દિન ને અર્પણ.

Friday, February 7, 2014

"હેપ્પી રોઝ ડૅ"

૨૬,અશ્વમેઘ બંગલો ના ઝાંપે સ્કૂટીનું સાઈડ સ્ટેંડ કરી કલગી રોજની જેમ જોશ સાથે ઝાંપો ખોલી
પાછી સ્કૂટી તરફ આવી સ્ટાર્ટ કરી હોર્ન મારતી મારતી એન્ટર થઈને છાયામાં પાર્ક કરે છે.
હેલ્મેટ ઉતારી ડેકી ખોલી એમાથી રોઝીસ ના બંચ કાઢી હેલ્મેટ અંદર મુકી સિટ ને ધક્કો મારી ડેકી બંધ કરે છે.હિચકાની બાજુમાં તડકે બેસી ગાયત્રી પાઠ કરી રહેલા એના દાદા તરફ ઓટલાનાં ૪-૫ પગથીયા ફટાફટ ચઢતા ચઢતા બૂમથી ગાર્ડન ગજાવી દે છે..."દાદુ....દાદુ....

નાનકડી એ ચોપડી માથી નજર કલગી તરફ કરતા દાદા હસ્ય સાથે બે વાર માથુ હલાવી એને પોતાની તરફ આવકારે છે.
નજીક આવી ને મસ્તી માં દાદા ના ગાલ ખેંચી એમના આગળ એક ગુલાબ ધરે છે.
કલગીઃ દાદુ...હેપ્પી રોઝ ડૅ...અને એમને વહાલથી વળગી પડે છે.
દાદાઃ લે..આજે વળી રોઝ ડૅ છે...? સેમ ટુ યુ..દિકરા.
તને તો બહુ બધા રોઝ મળ્યા હશે નહી..?
કલગીઃ રોઝીસ નું બંચ બતાવતા...હા...તો..જુઓ..આટલા બધા..
દાદા, હજી એક સ્પેસ્યલ રોઝ તમારા માટે,એમ કહી કલગી બિજુ એક ગહેરા ગુલાબી રંગનુ ગુલાબ ધરે છે.
ગાયત્રી પાઠની ચોપડી બાજુ પર મુકી કલગી ના દાદા કંપવાને કારણ વધુ ધ્રુજતા રહેતા જમણા હાથમાં એ ગુલાબ સ્વીકારે છે.
કલગીઃ દાદુ...નાઉ સેલિબ્રેટ રોઝ ડૅ ઇન યોર ઑન વૅ...
કહી ખડખડાટ હસતા હસતા ઘરમાં ભાગે છે..
કલગી ના નખરા ને મસ્તી પર હસતા હસતા દાદા લાકડી ના ટેકે ઉભા થઈ બન્ને ગુલાબ હાથમાં લઈ ધિમે ધિમે ઘરમા જાય છે.
ઘરમા પ્રવેશી ડાબી તરફ આવેલા પોતના રૂમમાં જઈ ટેબલ પર રાખેલી એક ફોટો ફ્રેમ તરફ પોતાના ચશ્મા નાક પર સહેજ સરખા ગોઠવી જોઈ રહે છે.
મનમાં જ સામેની તસવીર ને કહે છે:
તારા અંબોડાની બાજુમાં ક્યારેક આવુ ઘાટુ ગુલાબી ગુલાબ ના હોય તો તારા ચહેરાની સુંદરતા અધુરી લાગતી.
હવે તારા અંબોડાની બાજુમાં ગુલાબ સજાવાના દિવસો રહ્યા નથી,
તો તારા ફોટો ફ્રેમ પાસે સજાવી લવ છું બસ.
ફ્રેમ આગળ ગુલાબ મુકતા મુકતા...."

"હેપ્પી રોઝ ડૅ માલતી"

રૂમના દરવાજા પર ઊભી રહીને સઘળુ નિહાળી રહેલી કલગી ચહેરા પર એક સંતોશકારક સ્મિત લાવી પોતાને મળેલા રોઝના બંચ ને જુએ છે..અને હોલ માં રાઉંડ ટેબલ પર મુકેલા એક ખાલી ફ્લાવર વાસ માં એ ગુલાબ સજાવી દે છે.

ગુલાબ તો ગુલાબ છે,એને ક્યાં ખબર છે કે એ ફ્લાવર વાસ માં સજાવાયું છે,કોઇ ના અંબોડા પાસે કે સ્વર્ગસ્થ લખેલી ફોટો ફ્રેમ પાસે...!!
પણ એના કારણ વ્યક્તિ વ્યક્તિ વચ્ચે લાગણીઓ કેટલી અલગ અલગ બંધાયેલી રહે છે,નહી....?
Happy Rose Day To All.....

Tuesday, February 4, 2014

વસંતપંચમી- A short story.

ડ્રાય ફ્લાવર્સથી સજાવેલો બૂકૅ હાથમાં લઈ દરવાજે ઊભેલો માણસઃ અમી મૅડમ?
સામેથી અમીઃ યસ હું જ.
બૂકૅ વાળો માણસઃ(ગુલાબી રંગની રિસીપ સાઈન કરવા આપતા આપતા)
મૅડમ બૂકૅ ફોર યુ. હેવ નાઈસ ડૅ.
અમી અચરજ સાથે રિસીપ હાથમાં લઈ નેઃ આમા કોના તરફથી બૂકે છે એનું નામ નંબર કંઈ છે તો નહી..મારા માટે જ છે ને?
માણસઃ હા મૅડમ, સરપ્રાઈઝ હોય એમા ના પાડી હોય તેથી ના લખીએ.આમા સાથે નાનુ કર્ડ અટૅચ છે.
અમી સાઈન કરી રિસીપ પાછી આપે છે અને બૂકૅ ઝડપથી લઈ સાથે લગાવેલુ કાર્ડ ખોલે છે.
ઉપર નુ લખાણ ના વાચતા પહેલા જ નિચે ફ્રોમ મા નજર ઠારવે છે ને સ્તબ્ધ બની જાય છે.
 " -એ જ અનુજ. "

લખેલા પરથી નજર ઉપર ના લખાણ પર ફેરવે છે.

" આજે વસંતપંચમી, આપણી પ્રથમ લગ્નતિથી,...."હોત"
 પણ...
 જોયુ..હવે આજકાલ ફ્લાવર્સ ડ્રાય થઈ જાય તો એનો પણ સરસ ઉપયોગ થાય છે.
 કાશ ફૂલની ફોરમ પણ ફ્રોજન થતી હોત..કે ક્યાક ભરી શકાતી હોત તો એ પણ આજે
 તને મોકલતો.
 એની વૅ..
 ફ્રોઝન ફોરમ ના સહી,
 ફ્રોઝન ફિલીંગ્સ સાથે..

નાનકડા ખોબા માં આશાઓ અનંત લઈ ને બેઠો છું,
ફૂલ ખિલાવવા હજી પણ વસંત લઈ ને બેઠો છું.

 -એ જ અનુજ. "

Wednesday, November 20, 2013

એક ઝટકો પ્રેમનો

નિશેષઃતને લાગે છે આપણા વચ્ચે પ્રેમ છે?
Is it love.. હેતવી?
હેતવીઃ યાર..હું તારી સાથે હોવ તો મને ગમે છે,સાથે રહેવું...સાથે ફરવુ ગમે છે.
બધુ તને પૂછી પૂછી ને કરવુ ગમે છે.તારી choiceનું કરવું ગમે છે.
ઘરે જઈને પણ long time chatting કરીએ છે.
નિશેષ(વચ્ચે જ)-તારી પાસે આવવુ ગમે છે..
તારામાં ખોવાઈ જવું ગમે છે..
હેતવી ના વાળ ની લટ સરખી કરતા કરતા..
કેટલી મસ્તી ખોર છે તુ....મારા કેવા પણ joke પર ખિલખિલાટ હસે છે કાયમ.
હેતવીઃનિશેષની આંખો માં જોતા જોતા...
તુ હાથ પકડે તો ગમે છે મને,
તારો touch મને odd નથી લાગતો..
નિશેષઃ યારરર....કંઈ સમજાતું નથી.
હેતવીઃચલ હવે મારો હાથ છોડ..મારા class miss થઈ જસે નવરા..
નિશેષઃ હેતુ.....કંઈ સમજાવને..
હેતવીઃકંઈ સમજાતુ નથી એટલે જ તો,આને પ્રેમ સમજી ને મન માં આવે ત્યારે તને "I LOVE YOU" કહી એક ઝટકો આપી દવ છું પ્રેમનો...
ખિલખિલાટ હસતી હસતી હેતવી નિશેષ ને ગાલ પર ધીરે થી ટપલી મારી class જવા નિકળી જાય છે.

Tuesday, June 4, 2013

શ્યામ ગયા પછી.

યમુના ના શાંત વહેતા પાણી પર ચંદ્ર્ના પડતા પ્રતિબિંબને નિહાળતી રાધા,એના શ્યામની રાહ જોવામાં ડુબેલી છે. એના નયન ચંદ્રના પ્રતિબિંબમાં પણ એના ક્રૃષ્ણનું જ મુખ જોઈ રહ્યા છે.
 રાધાના હ્રદય પર પગરવ થયો..
 શ્યામ આવ્યા, મારા શ્યામ આવ્યા..
 મોરલીના સૂર કાનમાં ગુંજવા લાગ્યા..
 ને રાધા બાવરી બની અવાજની દિશા શોધવા લાગી..
 એના શ્યામને શોધવા લાગી,એના ક્રૃષ્ણને શોધવા ભાગી.
થોડા કદમ ચાલી પછી બેબાકળી બની આમ તેમ ભાગતી રાધા ને થયો પોતાની ઓઢણી ફસાયાનો અહેસાસ.
 એ થોભી ગઈ ને આંખ મિંચીને આશ કરવા લાગી..
 જરૂર મારા શ્યામે જ મને છેડવા છૂપાઈને ઓઢણી પકડી હશે.
પાછળ મિટ માંડી,એક નિશાસો નાખી ઓઢણી છોડાવી રાધા આગળ ભાગે છે.
હજુ આગળ ભાગતી રાધાના મુખ માંથી ચીસ પડાઈ જાય છે.
ને એ ચીસ સાથે જ રાધા જમીન પર બેસી પડે છે.
 પગમાં પેસી ગયેલો શૂળ જોઈ..
 પોતાના શ્યામની યાદમાં વ્યાકુળ થયેલી રાધા આંસુ સારતા બોલે છે..
 શ્યામ...ક્યાં છો તમે..?
નજર સામે એ આખરી મુલાકાત આવે છે.
 "રાધે..ઓ રાધે..ચલ મારી સાથે,
  હું તને લેવા આવ્યો છું,પકડો મારો હાથ આપણે દૂર સુધી જવાનું છે."
રાધાઃ આ શું કહો છો શ્યામ?આ યમુના કિનારો,આપણા મિલનની જગ્યઓ અને આ પ્રેમની નગરી મુકીને ક્યાં જવા કહો છો?
ક્રૃષ્ણઃ રાધે,મારો કાયમી વસવાટ અંહી શક્ય નથી.મારો જન્મ પાપનો નાશ કરવા થયો છે.પાપીઓ ને એમના શ્રાપ માંથી મુક્તિ અપાવવા થયો છે.મારે આગળ જવું પડશે.
હું આ લાગણીઓની માયા જાળમાં બંધાઈ નહી શકું.
રાધાઃ આપણો પ્રેમ માયાજાળ છે?હું બંધન છું?
     હે શ્યામ..હું તો એ કાન્હાને ચાહુ છું જે માખનચોર કહેવાય છે,
     એના પ્રેમમાં બાવરી છું જે હરેક ગોપીના હ્રદયમાં વસે છે છતા ખાલી મને ચાહે છે,
     જે યમુના કિનારે મને ખૂબ રાહ જોવડાવે છ ને પોતાની પ્રેમજાળમાં મને ફાંસે છે,
     જે મોહક નજરોથી જોઈ મને શરમાવે છે,
     જેના મનની હું રાણી છુ ને જે મારે મન બધું જ છે,
     મારા નાથ છે,સર્વસ્વ છે.
ક્રૃષ્ણઃ હા પણ સમય બદલાય છે રાધે,સમય સાથે આગળ ચાલવું પડે છે.
    અને હું તો તને લેવા જ આવ્યો છું.
રાધાઃ ના..શ્યામ ના..
     તમારી આંખોમા હવે મને રાજકુમારનું નૂર દેખાય છે.
     કોઇ દિવ્ય શક્તિની છાંયા દેખાય છે મને.
     હું ગામની ગોવારણ તમારી સાથે ના શોભુ.
ક્રૃષ્ણઃ રાધે..તુ મારી પ્રિત છે,હું મારી પ્રિતને ભુલાવી ને આગળ નથી જવા માંગતો.
રાધાઃ જ્યારે નવું કઈક પ્રાર્ંભ થાય છે ત્યારે જુનુ ઘણું બધું પૂર્ણ થાય છે.
     હું તમારી સ્મૃતિઓને હ્રદયમાં જીવંત રાખી જીવન વિતાવી લઈશ.
બોલતા બોલતા રાધાનાં આંસુ યમુના જળમાં પડે છે.
આંસુ યમુના જળ સાથે વહીને આગળ જતા રહે છે અને
શ્યામ પણ રાધાને આટલું કહી જતા રહે છે.
 "હે રાધે, તે મને કરેલો પ્રેમ જગતમાં હરેક પ્રેમી અને પ્રેમીકા યુગ યુગાતંર સુધી યાદ કરશે. હું ક્યાય પણ રહીશ પણ મારા હ્રદયમાં તારી પ્રિત કાયમ રહેશે.
મારા માનવીય અસ્તિત્વનાં નાશ પછી પણ,મારા નામની પહેલા સદાય તારુ નામ લેવાશે.
અને એ પ્રકારે તારો અને મારો સાથ ક્યારે પણ નહી છૂટે."

 પગમાં ખૂંપેલો શૂળ કાઢતા રાધા બોલી ઉઠી..હરે ક્રૃષ્ણ..
 સાથે ધીમે વાતો વાયરો બોલે છે..રાધે-ક્રૃષ્ણ.
 ખરેલા સૂકા પાનમાં થયો ખળભળાટ ને સંભળાય છે..રાધે-ક્રૃષ્ણ.
 યમુના ના શાંત પ્રવાહ સાથે વહે છે..રાધે-ક્રૃષ્ણ.
 આંબલીયાની ડાળોએ જુલે છે..રાધે-ક્રૃષ્ણ.
 મોર-પપીહા-કોયલનાં ટહૂકે ગૂંજે છે..રાધે-કૃષ્ણ.
 શ્યામ ગયા પછી બધે જ છે..રાધે-ક્રૃષ્ણ.
પણ કોઈ જાણી શકયું,રાધા કેટલું તડપી..શ્યામ ગયા પછી?
કોઇ ને યાદ છે રાધાના હાલ,શ્યામ ગયા પછી?
રાધાને મળ્યુ બસ શ્યામનું નામ,શ્યામ ગયા પછી..
ફરી પણ ક્યાંક જન્મી હશે રાધા,શ્યામ ગયા પછી..
જોવાતી હશે રાહ ક્રૃષ્ણની,શ્યામ ગયા પછી.

Monday, January 14, 2013

પેચ...અને ગાંઠ..


પેચ લાગી ગયા..
થોડી થોડી ઢીલ,
થોડી થોડી ખેંચ,
થોડી સ્થિરતા...ને વચ્ચે વચ્ચે થોડી ગુલાટ,
અમે બેવ ભલે અલગ અલગ ચગીએ છે,
પણ આકાશ તો એક જ છે..
લાગણીઓ ની દોરીથી એકબીજામાં લપેટાઈ રહ્યા છીએ..
પેચ નથી હવે અમરા વચ્ચે,
આ પેચ નથી...
લપેટાઈને,ગુંચવાઈ ને બંધાયેલી ગાંઠ છે.

Friday, June 15, 2012

હવે..


ઘરની બહાર કોંક્રિટથી બનેલા રોડ પર..અમે કુંડાળા બનાવતા,
સ્કૂલમાંથી લઈ આવેલા નાના ચૉકના ટુકડા માંથી,
ને પછી કાંકોટી બનાવતા,
વિણી લાવેલા તૂટેલા માટલા ને રકાબીઓ માંથી,
કાંકોટી ફેંકીને દાવ લેવા જતા..પડતા આખડતા..
ઘુંટણ કેવા છોલાઈ જતા,
માટી વાળા હાથ પગ ને મેલાઘેલા કપડા વાળા..
મમ્મી પાસે દોડી જતા,
બે-ચાર ઠપકા આપતી આપતી મમ્મી..
તરત ડૅટોલ અને સૉફ્રામાઈસીન લગાવી આપતી,
શાંત થઈ જા હવે...બહાર ના જતી રમવા..
કહી ને ચૂપ કરાવતી..
હવે....
જીવનમાં અનેક કુંડાળા દોરાઈ ગયા છે,
ઘુંટણ શિવાય હવે અંદર ઘણૂ છોલાય છે,રોજ...
ડૅટોલ અને સૉફ્રામાઈસીનથી ફરક પડશે મમ્મી...?
કે રમવા ના જઉ તો ચાલશે મમ્મી...?

Friday, June 1, 2012

~ટ્રેશ(અછાંદસ)



પર્સનલ ઈનબોક્સમાં સાચવી રાખેલ,
તારા એક એક ઈ-મૅલ હું એક પછી એક વાંચતી ગઈ,
જાણે લૅપટૉપની સ્ક્રીનમાં ખુદને કેદ કરતી ગઈ,
"લવ લેટરની જગ્યા એ હતા લવ ઈ-મૅલ"
રોજ સવારે ઑફિસ પહોંચી..
હું પહેલો જ તારો મૅલ વાંચતી,
અને ત્યાર પછી જ મારા દિવસની શરૂઆત થતી,
ને એક આચકાથી હું ખુદને આ બધામાંથી બહાર ખેંચી લાવી..
હવે આ બધુ સાચવી રાખવાનો શું ફાયદો..?
સિલેક્ટ ઑલ કરી પરાણે હુ કર્સર ડિલીટ તરફ લઈ ગઈ,
ને થોડી જ ક્ષણોમાં ઉપર લખાણ આવી ગયું,
યૉર ઑલ કનર્વરસૅજન હેવ બીન મુવ્ડ ટુ ધ ટ્રેશ ,
સબંધ....,જે ક્યારનોય ડિલીટ થઈ ગયો હતો,
એ અંતે આજે ટ્રેશ થઈ ગયો..